Archive

Archive for the ‘સ્તુતિ’ Category

વિશ્વંભરી સ્તુતિ

February 23, 2012 Leave a comment

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમા વસજો વિધાતા,
દુર્બૃધ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

મા! કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જીંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર દૂર કરી સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

તારા સિવાય જગમાં નથી કોઈ મારું,
સાચા સખા ભગવતી તુજને સંભારું,
ભલું કદાચ ભવ પાશ તણા પ્રસંગે,
માંગુ ક્ષમા મ ત્રિપુરેશ્વરી આ પ્રસંગે…

જેની કૃપાથી ગિરિરાજ ચઢે અપંગો,
જેની કૃપાથી ભવસિંધુ તરે સુસંગે,
જેની કૃપાથી વિષ થાય સુધા સમાન,
એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ…

અંબા ભવાની જગંદબા કરો સહાય,
આરાસુરી ભજે સદા તવ ભક્તિ પાય,
હસ્તે ત્રિશૂળ ધરીને અસુરો સંહાર્યા,
સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યા…

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમા વસજો વિધાતા,
દુર્બૃધ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…

Advertisements
Categories: સ્તુતિ

દયા કરી દર્શન શિવ આપો

January 18, 2012 Leave a comment

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો,
દયા કરી દર્શન શિવ આપો…

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
મારા દિલમાં વસો, બૈયો આવી વસો, શાંતિ સ્થાપો,
દયા કરી દર્શન શિવ આપો…

ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો…

અંગે શોભે છે રૂદ્રની માળા, કંઠે લટકે છે ભોરીંગ કાળા,
તમે ઉમિયા પતિ, અમને આપો મતી, કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો…

Categories: સ્તુતિ