Archive

Archive for the ‘સૈફ પાલનપુરી’ Category

મને મારો ખુદા યાદ – સૈફ પાલનપુરી

March 17, 2014 Leave a comment

ના મારા ગુના યાદ, કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને, મારો ખુદા યાદ…

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ…

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ…

– સૈફ પાલનપુરી

Advertisements

આંખોથી લઈશું કામ – ‘સૈફ’ પાલનપુરી

August 22, 2013 Leave a comment

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી,
રૂપાળું એક નામ, હવે બોલવું નથી…

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી…

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી…

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી…

– ‘સૈફ’ પાલનપુરી

છે ઘણાં એવા – ‘સૈફ’ પાલનપુરી

August 21, 2013 Leave a comment

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા…

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા…

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં પણ, આંસુઓ આવી ગયાં…

મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા…

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા…

– ‘સૈફ’ પાલનપુરી

એક દી’ એમણે – ‘સૈફ’ પાલનપુરી

August 20, 2013 Leave a comment

એક દી’ એમણે પોતે જાતે કહ્યું, ‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો,
મારા વિશે જરા થોડા રૂપક કહો, થોડી ઉપમાઓનું આજ સર્જન કરો…

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે, એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી, એ જ સમજી શકે એ જ જાણી શકે…

કોક બીજાની હોતે જો આ માંગણી, હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે, એવા સાહિત્યનું આજ સર્જન કરત…

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા, એ જ રૂપક જો ચાહે તો હું શું કરું?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે, એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું, છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે, અંગે અંગે છો નખશીખ પ્યારા તમે…

કેવી સીધીને સાદી હતી વાત આ, કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા,
બોલ્યા કેવા મજાના છો શાયર તમે, કેવુ સારું ને મનગમતું બોલી ગયા…

– ‘સૈફ’ પાલનપુરી

કદી વેરાન વન જેવું – ‘સૈફ’ પાલનપુરી

August 19, 2013 Leave a comment

કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું…

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઈ સુમન જેવું…

કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું…

તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું…

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મ્રુત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું…

– ‘સૈફ’ પાલનપુરી

તડકો – ‘સૈફ’ પાલનપુરી

August 15, 2013 1 comment

સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો,
ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો…

જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું,
તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો…

બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો,
જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો…

ઘણાં એવાંય ઘર છે જ્યાં જરૂરત પણ નથી તોયે,
બહુ નફ્ફટ બનીને રોજ પહોંચી જાય છે તડકો…

રખડતો જીવ તો છે, પણ સ્વભાવે બહુ સ્વમાની છે,
અમુક ઘરના તો ઉંબરામાંથી ભાગી જાય છે તડકો…

હજારો વર્ષ વિત્યાં તોય શિષ્ટાચાર ના શીખ્યો,
કોઈ બોલાવે, ના બોલાવે આવી જાય છે તડકો…

જગતની ભીની ઝૂલ્ફોનાં રહસ્યો એ જ જાણે છે,
વીતી છે રાત કઈ રીતે એ વર્તી જાય છે તડકો…

કોઈ રોનકભર્યાં ખંડેરમાં જઈ “સૈફ” જોઈ આવો,
બહુ જો થાક લાગે તો બેસી જાય છે તડકો….

– ‘સૈફ’ પાલનપુરી

હસવામાં અભિનય છે – ‘સૈફ’ પાલનપુરી

August 14, 2013 Leave a comment

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા ને હસવામાં અભિનય છે…

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે…

તને મળવાનો છું એટલે હમણાં તો ચૂપ છું પણ,
ખુદા તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે…

મને જોઈને નજરને શું સિફતથી ફેરવી લ્યો છો,
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે…

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે…

– ‘સૈફ’ પાલનપુરી