Archive

Archive for the ‘સુરેશ દલાલ’ Category

આટલું તે વ્હાલ નહીં – સુરેશ દલાલ

October 22, 2014 Leave a comment

આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા,
શ્યામ ને તે આમ નહીં ઘેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

યમુનાના જળમાં ઝીણા ઝાંઝર સૂણીને ભલે,
મોરલીના સૂર મૂંગા થાય…

એને પણ સાન જરી આવે કે રાધાથી,
અળગા તે કેમ રહેવાય?

પાસે આવે તો જરા નાચાકોડી મુખ ક્યાંક,
સરી જવું સપનાની શેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે,
કહેવું કે પીડ નથી કાંઈ…

વિરહની વેદના તે કહેવાની હોય? ભલે,
કાળજું આ જાય કંતાઈ…

આંસુથી આંક્યું હોય એનું તે નામ ભલે,
વ્હેતી હવાની સૂની લ્હેરીએ…

બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ,
આઘે રહીને એને હેરીએ…

Advertisements

રાત દિવસનો રસ્તો – સુરેશ દલાલ

October 16, 2014 Leave a comment

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…

તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ…

તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ…

તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત..

કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ…

આપણે આપણી રીતે રહેવું – સુરેશ દલાલ

July 19, 2013 Leave a comment

આપણે આપણી રીતે રહેવું,
ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું…

ફૂલની જેમ ખૂલવું,
અને ડાળની ઉપર ઝૂલવું, ભમરાનું ગીત કાનમાં આંજી, કાંટાનું રૂપ ભૂલવું…

મૂંગા થઈને સહેવું અને,
કહેવું હોય તો પંખીની જેમ કહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું…

પગલાં ભૂંસી ચાલતા થવું,
પંથની ઉપર મ્હાલતા જવું, આનંદ આનંદ વેરતાં વેરતાં, આનંદને પંપાળતા જવું…

લેવું દેવું કાંઈ નહીં,
કેવળ હોવું એ જોતા રહેવું, ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું…

– સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું – સુરેશ દલાલ

July 17, 2013 Leave a comment

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું,
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે,
કે આપણો પણ કેવો લગાવ…

આપણને જોઈ પછી કોઈને પણ થાય,
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે,
જીવન હોય તો આવું સહિયારું…

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને,
ઠાઠ અને ઠસ્સો જમાવ,
તારી મેંદીમાં મારું ઉપસશે નામ,
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ,
ને ફરી લઈએ જીવતરનો ફેરો,
સોનલ કમળ અને રૂપેરી ભમરો છે,
ને બિલોરી આપણું તળાવ…

– સુરેશ દલાલ

પંખીની ભાષા ફૂટી – સુરેશ દલાલ

February 6, 2013 Leave a comment

એક ભૂરા આકાશની આશા ફૂટી,
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી…

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો,
ને ફૂલની હથેળીમાં તારો,
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ,
ઘૂઘવે પવન વણજારો…

જાણે માછલીને જળની પિપાસા ફૂટી,
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી…

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં,
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ,
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે,
અમને તો બધ્ધું કબૂલ…

મારી સઘળી દિશાને તલાશા ફૂટી,
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી…

– સુરેશ દલાલ

મંદિર સાથે પરણી મીરાં – સુરેશ દલાલ

February 5, 2013 Leave a comment

મંદિર સાથે પરણી મીરાં, રાજમહલથી છૂટી રે,
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે…

આધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે,
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે…

તુલસીની આ માળા પહેરી મીરાં સદાની સુખી રે,
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે…

કાળી રાતનો કંબલ ઓઢી મીરાં જાગે સૂતી રે,
ઘાયલ કી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે…

– સુરેશ દલાલ

હૈયાસરસો લાગે – સુરેશ દલાલ

February 4, 2013 Leave a comment

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે,
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે,
એને ઓળખતા વરસોનાં વરસો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે,
ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે,
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે,
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે,
ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

– સુરેશ દલાલ