Archive

Archive for the ‘શેખાદમ આબુવાલા’ Category

મોંઘી પડી – શેખાદમ આબુવાલા

August 17, 2012 Leave a comment

પ્યારની રંગીન લત મોંઘી પડી,
આગ સાથેની રમત મોંઘી પડી…

જીતતાં જીતાઈ ગૈ બાજી બધી,
એક આ દીલની લડલ મોંઘી પડી…

જીંદગીના રંગ સૌ રુઠી ગયા,
બુધ્ધિની આ આવડત મોંઘી પડી…

બાગમાં આવો, રહો, પણ બે ઘડી,
માળીની બસ આ શરત મોંઘી પડી…

પ્રાણ લૈ આવ્યા અને દૈને ગયા,
તારી કીમત ઓ જગત મોંઘી પડી…

– શેખાદમ આબુવાલા

Advertisements

મુક્તક – શેખાદમ આબુવાલા

January 21, 2012 Leave a comment

મહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,

મળે છે એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાંયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા…

– શેખાદમ આબુવાલા

માંકડ મારવાની દવા પીને લાંબો થઈ જાય એને નીલકંઠ ના કહેવાય… 🙂

– શાહબુદ્દીન રાઠોડ

ચાહું છું મારી જાતને – શેખાદમ આબુવાલા

January 2, 2012 Leave a comment

હું તને ક્યાં ચાહું છું, ચાહું છું મારી જાતને,
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને…

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું,
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને…

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો,
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને…

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે,
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને…

 

– શેખાદમ આબુવાલા

જે સપનું ચાંદનીનું – શેખાદમ આબુવાલા

November 24, 2011 Leave a comment

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે…

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર,
ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે?

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના,
કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે…

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું,
હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે…

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતાં,
અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે…

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને,
બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે…

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં,
કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે…

– શેખાદમ આબુવાલા

આદમથી શેખાદમ સુધી – શેખાદમ આબુવાલા

September 8, 2011 Leave a comment

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી…

એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી…

રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ
એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી…

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી…

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી…

બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે
એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી…

બુદ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી…

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી…

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી…

કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી…

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઊઠ્યું
શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી…

 

– શેખાદમ આબુવાલા

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો – શેખાદમ આબુવાલા

July 15, 2011 Leave a comment

ધરો ધીરજ વધુ પડતો પ્રણય, સારો નથી હોતો,
અતિ વરસાદ કંઈ ખેડૂતને, પ્યારો નથી હોતો…

તમારા ગર્વની સામે અમારી, નમ્રતા કેવી ?
ગગનમાં સૂર્યની સામે કદી, તારો નથી હોતો…

અગન એની અમર છે મૃત્યુથી, પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ, અંગારો નથી હોતો…

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ, સથવારો નથી હોતો…

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહોબ્બતના સમંદરને કદી આરો નથી હોતો…

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ, અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો…

ફકત દુ:ખ એ જ છે એનું, તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી, ખારો નથી હોતો…

– શેખાદમ આબુવાલા

પાગલ થાઉં તો સારું – શેખાદમ આબુવાલા

June 3, 2011 Leave a comment

હવે બસ બહુ થયું બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!…

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!…

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ, શતદલ થાઉં તો સારું!…

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!…

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!…

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!…

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ,
કે ખુદ દુનિયાને થઈ આવ્યું, ઘાયલ થાઉં તો સારું!…

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા,
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!…

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું!…

– શેખાદમ આબુવાલા