Archive

Archive for the ‘શુન્ય પાલનપુરી’ Category

ક્યારે આવશો – શુન્ય પાલનપુરી

July 18, 2013 Leave a comment

તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો?

એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો?

જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્જાણે,
નથી જીવનમહીં કસ, ક્યારે આવશો?

ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો?

બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના,
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો?

એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો?

– શુન્ય પાલનપુરી

Advertisements

પડછાયો હતો – ‘શુન્ય’ પાલનપુરી

November 3, 2012 Leave a comment

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો…

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો…

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો…

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો…

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો…

– ‘શુન્ય’ પાલનપુરી

પ્રણયનો વિવેક છે – ‘શુન્ય’ પાલનપુરી

November 1, 2012 Leave a comment

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે…

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે…

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે…

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે…

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે…

– ‘શુન્ય’ પાલનપુરી

કોઈની મદીલી નજર – ‘શુન્ય’ પાલનપુરી

March 24, 2012 Leave a comment

કોઈની મદીલી નજર છે ને હું છું,
આ ખુમારી ભરેલું જીગર છે ને હું છું…

નથી ના ખુદાને, ખુદા પર ભરોસો,
હવે નાવડી છે, ભવર છે ને હું છું…

નડે છે અનાદીથી ચંચળતા મનની,
આ વિરામ જીવન સફર છે ને હું છું…

જનારા ગયા ને ગયું સર્વ સાથે,
હવે ‘શૂન્ય’ વિરાન ઘર છે ને હું છું…

– ‘શુન્ય’ પાલનપુરી

કોણ માનશે ? – ‘શુન્ય’ પાલનપુરી

February 15, 2012 Leave a comment

દુઃખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મટીપનું,
નિર્દોષ ખેંચતાણ હતી, કોણ માનશે?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ ની પીછાણ હતી, કોણ માનશે?

– ‘શુન્ય’ પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો – ‘શુન્ય’ પાલનપુરી

February 5, 2012 Leave a comment

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે…

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધાં ઓળખે છે…

સુરાને ખબર છે પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે…

ન કર ડોળ સાકી અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે…

પ્રણય જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઈ અમથી…

સભાને ભલે હોય ન કોઈ ગતાગમ,
મને ગર્વ એ છે કે શમા ઓળખે છે…

મેં લો’યાં છે પાલવથી ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું…

ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલાં ઓળખે છે…

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે…

મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે…

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો…

હકીકતમાં હું એવો છું રોગી જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે…

દિલે ‘શુન્ય’ એવા મેં જખ્મો સહ્યાં છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો…

છું ધીરજનો મેરુ ખબર છે વફાને,
દયાનો છું સાગર ક્ષમા ઓળખે છે…

– ‘શુન્ય’ પાલનપુરી

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર – ‘શુન્ય’ પાલનપુરી

February 2, 2012 Leave a comment

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર,
દંગ થઈ જાય દુનિયા, એવું કરું સર્જન ધરાર…

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક,
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી…

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ,
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ…

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ,
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ…

દેવદુર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી…

– ‘શુન્ય’ પાલનપુરી