Archive

Archive for the ‘શયદા’ Category

પંથે પડ્યો છું – શયદા

March 7, 2014 Leave a comment

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું…

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું…

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું…

તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું…

ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું…

પરાજય પામનારા, પૂછવું છે,
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું…

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું…

Advertisements

હું મૌન રહીને – શયદા

January 8, 2014 Leave a comment

હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું,
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું…

મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું…

હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું,
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું…

કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું…

અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું…

હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું…

તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું…

ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે!
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું…

આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું…

જાશું, જઈને મોતથી પંજો લડાવશું – ‘શયદા’

December 5, 2012 Leave a comment

જાશું, જઈને મોતથી પંજો લડાવશું,
મળશે સમય તો આપની મહેફિલમાં આવશું…

તમને અમારી આંખની કીકી બનાવશું,
એમાં અમારા પ્રેમની વસ્તિ વસાવશું…

નયનોને દ્રાર અશ્રુનાં બિંદુ જો આવશે,
પાંપણમાં ટાંકી મોતીનાં તોરણ બનાવશું…

અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ, પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું…

નાદાન શત્રુઓ અને નાદાન સ્નેહીઓ,
ઓ જીવ, જીવવાની મઝા ક્યાંથી લાવશું?

આવી જુઓ તો આપને સત્કારવાને કાજ,
બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું…

‘શયદા’ જીવન-રમત મહીં એ પણ ખબર નથી,
શું શું ગુમાવી દીધું છે, શું શું ગુમાવશું?

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા

તારા જીવનથી કોઈનું જીવન બની જશે – ‘શયદા’

December 4, 2012 Leave a comment

તારા જીવનથી કોઈનું જીવન બની જશે,
પારસમણીના સ્પર્શથી કંચન બની જશે…

જીવન હશે તો કોઈ’દિ જીવન બની જશે,
દિલમાં યકીન રાખ, યકીનન બની જશે…

કોને ખબર છે આવું આ ઉપવન બની જશે,
કાંટો તો ઠીક ફૂલ પણ દુશ્મન બની જશે…

ખાતર મહીં મળી જા, તું ખાતર જમા કરી,
કળીઓથી ફૂલ, ફૂલથી ઉપવન બની જશે…

માથા મૂકી દે, માલની ઇચ્છા જો હોય તો,
દિપકની જેમ જીંન્દગી રોશન બની જશે…

તપ કરવા ચ્હાય છે, તો તપોવનની શી જરૂર,
બેસીશ જે સ્થળે એ તપોવન બની જશે…

અંતર પતિત છે, ભલે, તારી દયા થતાં,
આજે નહીં તો કાલ એ પાવન બની જશે…

રજભર વાતને તું નકામી ગણીશ મા,
રજરજથી ગજ ને ગજ, વધી જોજન જશે…

બાવન જટીલ જાળ છે, બાવનથી બા’ર જા,
બાવનથી બા’ર જાણે તો પાવન બની જશે…

આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ,
ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?

કાં આંચથી ડરે છે તું, સાચાને આંચ શી?
જો આગ પણ હશે તો એ ગુલશન બની જશે…

બોલે જો બોલ ‘શયદા’ વિચારીને બોલજે,
બોલેલ બોલ વ્રજના બંધન બની જશે…

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા

હ્રદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે – ‘શયદા’

December 3, 2012 Leave a comment

હ્રદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,
મળી છે દ્રષ્ટિ જોવા કાજ ને આંખો રુદન માટે…

ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા એ છે તું રહેવા દે ગગન માટે…

યુગેયુગથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો નયન માટે…

સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ આગળ સાફ રસ્તો છે જીવન માટે…

અનાદિ કાળથી એના વિરહમાં એ દશા છે કે,
રુદનમાં બંધ આંખો થઈ અને ઊઘડી રુદન માટે…

હ્રદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી,
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે…

તમે જે ચાહો તે લઈ જાવ મારી ના નથી કાંઈ,
તમારી યાદ રહવા દ્યો ફક્ત મારા જીવન માટે…

દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,
ધરાવાળા ધરા માટે ગગનવાળા ગગન માટે…

મને પૂછો મને પૂછો ફૂલો કાં થઈ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન માટે…

ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે…

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું – ‘શયદા’

December 2, 2012 Leave a comment

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું…

જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર હું પોતાને નડ્યો છું…

ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું…

તમે શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું…

ખુશીને શોક આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું…

પરાજય પામનારા, પૂછવું છે,
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?

મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું…

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા

જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે – ‘શયદા’

December 1, 2012 Leave a comment

જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે…

હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે…

વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’

કિનારેથી શું કરી કિનારો વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા, ભલે તુફાનો હજાર આવે…

ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે…

‘જરૂર આવીશ’ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે…

સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે? વિચાર જાયે વિચાર આવે…

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે…

હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં, આવી ન જાય ઘરમાં ન બાર આવે…

– ‘શયદા’

Categories: ગઝલ, શયદા