Archive

Archive for the ‘વિવેક કાણે ‘સહજ’’ Category

કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’

February 16, 2014 Leave a comment

ખુલ્લી આંખો, ને અંધાપો,
રામભરોસે રસ્તો કાપો…

તરણાની ઓથે બેસીને,
સૂરજનો પડછાયો માપો…

મારી ચિંતા સૌ છોડી દો,
મારાં કર્મો, મારાં પાપો…

બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી,
નીકળ્યો વર્ષોનો ઝુરાપો…

ભાલ ઉપર જો હોય જગા તો,
આંસુનો સરવાળો છાપો…

ખોવાયું માટીનું ઢેફું,
કોઈ ‘સહજ’ને શોધી આપો…

– વિવેક કાણે ‘સહજ’

Advertisements

ખુદ પોતાને પણ જડો નહીં – વિવેક કાણે ‘સહજ’

January 1, 2014 Leave a comment

એવાં ભૂલા પડો કે, ખુદ પોતાને પણ જડો નહીં,
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં…

છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં…

જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો,
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં…

વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો,
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં…

આ શબ્દ-સંપદા ‘સહજ’, સર્વસ્વ છે અમારે મન,
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં…

– વિવેક કાણે ‘સહજ’