Archive

Archive for the ‘વિનય ઘાસવાલા’ Category

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે – વિનય ઘાસવાલા

August 27, 2012 Leave a comment

હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,
હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે…

પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,
ખોવાયું શહેરમાં મારું એ બચપણ યાદ આવે છે…

એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,
ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે…

લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,
એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે…

કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,
ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે…

ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,
મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે…

– વિનય ઘાસવાલા

Advertisements

હું કોઈને નડતો નથી – વિનય ઘાસવાલા

February 22, 2012 Leave a comment

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી…

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી…

કોણે છલકાવ્યાં નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી…

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી…

– વિનય ઘાસવાલા

છલકતી જોઈને મોસમ – વિનય ઘાસવાલા

November 10, 2011 Leave a comment

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ,
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ….

પ્રણયના કોલ દીધા’તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ…

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ…

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ…

– વિનય ઘાસવાલા