Archive

Archive for the ‘રાજેશ વ્યાસ મિસ્કીન’ Category

રેતીના મિનારા નીકળ્યા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

August 26, 2014 Leave a comment

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા…

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા…

કોણ બીજું જાય વરસી? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા…

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા…

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં…

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં…

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Advertisements

બધે જ દોડી લઈ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

July 13, 2014 Leave a comment

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ…

ઘણાંય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ…

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ…

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ…

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ…

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

શ્વાસ ખખડે છે અને વાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

June 8, 2014 Leave a comment

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે…

કોણ તારા વિશે ગઝલ લખવા,
આમ મારામાં રોજ જાગે છે?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે…

એક વેળા ફૂટી જઈ માણસ,
જીંદગીભર કરચ ઉપાડે છે…

ટેવવશ સાવ કાચા નખ જેવી,
રોજ મિસ્કીન રાત કાપે છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સઘળા દુઃખનું કારણ મન છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

February 19, 2014 Leave a comment

સઘળા દુઃખનું કારણ મન છે,
સુખનું સરનામું પણ મન છે…

સઘળી આવન-જાવન મન છે,
દિવાનગી ને ડહાપણ મન છે…

સ્વયં ધૂળ ને રજકણ મન છે,
થર બાઝેલું દર્પણ મન છે….

જીવન તો ખળખળ ઝરણાં સમ,
આ વિધ્નો આ અડચણ મન છે…

હું એવો ને એવો ભીતર,
આ બચપણ આ ઘડપણ મન છે…

શું સાધુ કે શું સંસારી?
મૂળ બેઉનું કારણ મન છે…

બાંધે, જોડે – તોડે હરપળ,
સૌ સાથેનું સગપણ મન છે…

એ જ ઉઘાડે સકળ રહસ્યો,
અને સત્યનું ઢાંકણ મન છે…

આભ બની જઈ ઘડીક ટહુકે,
બીજી જ પળમાં ગોફણ મન છે…

શબ્દ-મૌન, મુક્તિ કે બંધન,
આ પણ મન છે, એ પણ મન છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તું આવી હશે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

January 5, 2014 Leave a comment

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે…

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે…

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે…

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે…

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તું જ છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

January 14, 2013 Leave a comment

શબ્દ પણ તું જ છે, સૂર પણ તું જ છે,
મૌનમાં ધબકતું નૂર પણ તું જ છે…

તું જ લે છે સતત કાળજી તે છતાં,
ક્રૂર પણ તું જ નિષ્ઠુર પણ તું જ છે…

તું જ તરસે અને તું જ વરસે પછી,
બેઉમાં જોઉં આતુર પણ તું જ છે…

કોઈ બંધન નહીં કાળ કે સ્થળ વિષે,
ખૂબ પાસે અને દૂર પણ તું જ છે…

ના, ટકોરાય દે બંધ દ્વારે કદી,
તેજનું પૂર મજબૂર પણ તું જ છે…

ઉકલે તું પછી ઉકલે છે બધું,
ભીતરે ભરમ ભરપૂર પણ તું જ છે…

હા ઝઘડતો રહે રોજ મિસ્કીન પણ,
જગતમાં એક મંજૂર પણ તું જ છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

વીતી છે જીવ્યા વગર – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

January 10, 2013 Leave a comment

કોઈ સપના વગર, કોઈ ઈચ્છા વગર,
જિંદગી રોજ વીતી છે જીવ્યા વગર…

આંખ દોડી અને વિંટળાઈ વળી,
આમ ભેટી પડાયું છે સ્પર્શ્યા વગર…

તારવ્યાં અર્થ સૌએ દશા જોઈને,
કૈંક પડઘા પડ્યા આમ બોલ્યા વગર…

લાખ ટોકે ને રોકે, મનાઈ કરે,
તોય ક્યાં રહી શક્યું કોઈ તડપ્યા વગર…

આખરી પળમાં સૌને અહીં થાય છે,
જાય છે કૈં જ સમજ્યા કે જાણ્યા વગર…

ભર અષાઢે શું મિસ્કીન વિશે હું કહું?
એક વાદળ ભટકતું’તું વરસ્યા વગર…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’