Archive

Archive for the ‘રમેશ પારેખ’ Category

દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

October 26, 2014 Leave a comment

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ…

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ…

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ…

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ…

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ…

Advertisements

હવે પાંપણોમાં અદાલત ભરાશે – રમેશ પારેખ

October 10, 2014 Leave a comment

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે…

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે…

મને આ નગરમાં નિરાધાર છોડી,
રસ્તા બધા કોની પાછળ ગયા છે…

છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણા છે…

પહાડો ઉભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે…

મને ખીણ જેવી પ્રતિતિ થઇ છે,
હું છું ને ચારે તરફ ડુંગરા છે…

ગઝલ હું લખું છું અને આજુ-બાજુ,
બધા મારા ચહેરાઓ, ઉંઘી રહ્યા છે…

કાચમાં રહે છે પારદર્શકતા – રમેશ પારેખ

August 31, 2014 Leave a comment

કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…

ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…

પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વેહતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

શું બોલીએ? – રમેશ પારેખ

August 18, 2014 Leave a comment

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

તારા સ્મરણને મારામાંથી – રમેશ પારેખ

May 8, 2014 Leave a comment

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં…

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં…

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર,
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં…

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં…

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને,
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં…

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો – રમેશ પારેખ

April 17, 2014 Leave a comment

એક હતો ભોપો, તેણે પહેર્યો ટોપો
ટોપો હતો બ્લ્યૂ, તેમાં હતી જૂ

જૂ ભરે ચટકો, લાગે મોટો ઝટકો
તો ય રાખે ભોપો, કાઢે નહીં ટોપો

ટોપો સાવ ગંદો, તેમાં એક વંદો
વંદો ફરે માથે, ટોપા સાથે સાથે

વંદો ભાળે જૂ, બોલે: સૂ સૂ સૂ
જૂને બીક લાગે, આમ તેમ ભાગે

જૂ સંતાય છે, વંદો ખિજાય છે
વંદો કાઢે ડોળા, કરે ખોળંખોળા

હડિયાપટ્ટી મચ્ચી, થાય ગલીપચ્ચી
ભોપો ખણવા બેઠો, ટોપો પડ્યો હેઠો

હાથને ચીરો તો ગંગા નીકળે – રમેશ પારેખ

January 28, 2014 Leave a comment

હાથને ચીરો તો ગંગા નીકળે,
છેવટે એ વાત અફવા નીકળે…

બોમ્બની માફક પડે કાયમ સવાર,
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે…

કોઇ સપનું છીછરું વાગ્યું હતું,
ને જનોઇવઢ સબાકા નીકળે…

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે…

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે…

દાબડીમાં એક માણસ બંધ હોય,
ઢાંકણું ખોલો તો લાવા નીકળે…

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં,
કોઇ અશ્મિભૂત શ્રધ્ધા નીકળે…

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ,
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે…

ર નીરંતર મેશ-માં સબડે અને,
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે…

– રમેશ પારેખ