Archive

Archive for the ‘મેઘબિંદુ’ Category

બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

July 22, 2014 Leave a comment

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

Advertisements

દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

February 22, 2014 Leave a comment

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જીંદગી એ રીતથી જીવ્યા કરે…

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જીંદગી ગૂંથ્યા કરે…

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે…

જાણ ખુદની છે છંતાયે એ હજુ,
અન્યને પોતા વિશે પૂછયા કરે…

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં,
લાગણીને એ સતત પીંજયા કરે…

તારા મારા સપનાઓની – મેઘબિંદુ

January 26, 2013 Leave a comment

તારા મારા સપનાઓની લઇ લખોટી રમીયે રે,
વીતેલી વાતોને ભૂલી, ચાલ ફરીથી રમીયે રે…

હવે ફરીથી આ જીવનબાજી રમતાં રમતાં,
અંચઇ કદી ના કરશું રે…

હવે ફરીથી કોઇ પ્રસંગે, કોઇ વાતના,
સોગંદ કદી ના લઇ શું રે…

રમત અધૂરી મુકેલી જે, એને પૂરી કરીયે રે,
ચાલ ફરીથી રમીયે રે…

હવે ફરીથી સ્મિત, સ્પર્શ ને સંકેતોની,
લેવડદેવડ કરીયે રે…

બંધાયો સંબંધ આપણો, સાથે રહીને,
પળપળ એની ઊજવીયે રે…

જુદાઇ કેરો રસ્તો છોડી, જલ્દી પાછા વળિયે રે,
ચાલ ફરીથી રમીયે રે…

– મેઘબિંદુ

કોણ માંગે – મેઘબિંદુ

August 31, 2011 Leave a comment

કોણ માંગે છે અહીં વળતર હવે
લાગણીનું થઈ રહ્યું ગળતર હવે…

જિંદગીને સાથ તારો જોઈએ
ઓ સમજ જલદીથી તું અવતર હવે…

તું ભરોસે ક્યાં સુધી તો ચાલશે
જીવવા માટે થજે પગભર હવે…

ઝાંઝવાં દેખાય છે સંબંધમાં
ઊજવાશે કઈ રીતે અવસર હવે…

કોઈ રમવા આવશે ના સાથમાં
ચાલ રમીએ આપણે ઘરઘર હવે…

 

– મેઘબિંદુ