Archive

Archive for the ‘મુકેશ જોષી’ Category

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

May 29, 2014 Leave a comment

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ,
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ…

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા,
બેઉ જણ માટે પૂજારી જોઇએ…

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાં ય બારી જોઇએ…

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દિકરા જેવો મદારી જોઇએ…

એ અગાસીમાં સૂતેલા હોય તો,
ચાંદ પર મારે પથારી જોઇએ…

Advertisements

પાનખરોમાં પાન ખરે – મુકેશ જોષી

December 22, 2012 Leave a comment

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે,
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે…

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે…

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે,
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે…

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે…

– મુકેશ જોષી

હમણાં હમણાં – મુકેશ જોષી

July 2, 2012 Leave a comment

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં,
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં…

કોનો એને સંગ થયો છે ખબર નહીં,
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં…

પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો,
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં…

તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં,
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં…

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી,
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં…

– મુકેશ જોષી

ઇશ્વર પણ માન રાખે – મુકેશ જોષી

January 6, 2012 Leave a comment

જે બીજાઓનું ખરેખર ધ્યાન રાખે,
એ માણસનું ઇશ્વર પણ માન રાખે…

સ્મિત, ખુશ્બુ અને અદાઓ પાંચસો,
એક કંદોઇ પણ કેટકેટલા પક્વાન રાખે?

ઘૂંટ મંદિર અને મસ્જિદનાં પાઇ પાઇને,
કોઇ આખા દેશને બેભાન રાખે…

એવા જ માણસો ટીકાખોર બનતા હોય છે,
જે સાંભળે ઓછું અને સરવા કાન રાખે…

કેમ છોકરાઓ મા-બાપને ઘરડાઘર મોકલતા હશે,
એ જ સંતાનો જે પોતાના ઘરમાં શ્વાન રાખે?

 

– મુકેશ જોષી