Archive

Archive for the ‘મુકુલ ચોક્સી’ Category

ઐશ્વર્ય હો અલસનું – મુકુલ ચોક્સી

August 10, 2014 Leave a comment

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું…

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું…

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું…

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું…

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ,
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું…

કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો,
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું…

Advertisements

ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી

April 6, 2014 Leave a comment

ભલે આજે નહીં સમજે કોઈ ઉન્માદનો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા…

અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા…

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા…

મુકુલ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા…