Archive

Archive for the ‘મરીઝ’ Category

અમારી પાસે – મરીઝ

July 19, 2014 Leave a comment

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે…

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે…

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે…

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે…

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે…

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે…

Advertisements

જીવન-મરણ છે એક – મરીઝ

April 2, 2014 Leave a comment

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું…

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું…

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું…

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું…

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું…

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું…

ઉતાવળ સવાલમાં – મરીઝ

March 2, 2014 Leave a comment

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં…

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં…

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નહીતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં…

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં…

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વનિસમાન જમાનાની ચાલમાં…

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં…

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં…

– મરીઝ

એમ તારી ઉપર મરે કોઈ – મરીઝ

August 1, 2013 Leave a comment

એમ તારી ઉપર મરે કોઈ,
ખુદ તને પણ અમર કરે કોઈ…

જે છે દાતાર ઓળખતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ…

તારી સામે જ નાઝ હો ઓ ખુદા,
તારી સામે જ કરગરે કોઈ…

ચારે બાજુ બધું જ સરખું છે,
કઈ દિશામાં કદમ ભરે કોઈ…

થાક એનો કદી ઉતરતો નથી,
જ્યારે બેસી રહે ઘરે કોઈ…

એક ખૂણો નિરાંતનો બસ છે,
આખી દુનિયા શું કરે કોઈ…

પ્રાણ એક જ છે કંઈક છે હક્ક્દાર,
કોની ઉપર કહો મરે કોઈ…

રૂપના બે પ્રકાર જોયા છે,
ચાહ રે કોઈ, વાહ રે કોઈ…

એ જ હિંમતનું કામ છે ઓ ‘મરીઝ’,
ખુદના ચારિત્રથી ડરે કોઈ…

– મરીઝ

કહી નથી શકતો – મરીઝ

March 7, 2013 Leave a comment

મળે છે તો મિલનની વાત એને કહી નથી શકતો,
જુદાઇના જીવનની વાત એને કહી નથી શકતો,
હવે તો ખુલ્લી આંખે પણ એ મારા સ્વજન જેવાં છે,
નિહાળું છું ને મનની વાત એને કહી નથી શકતો…

– મરીઝ

એક કદમ આગળ સિંકદરથી – મરીઝ

March 5, 2013 Leave a comment

નથી નિસ્બત મને આ ધરતીથી, નભથી, સમંદરથી,
કરું છું હું લડાઇ માનવીના મનથી અંદરથી,
ફક્ત જીતવી નથી, મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ એક કદમ આગળ સિકંદરથી…

– મરીઝ

નિભાવી જાય છે – મરીઝ

February 23, 2013 Leave a comment

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…

ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા, કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે…

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે…

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ‘મરીઝ’,
હું નથી હોતો તો એ વિતાવી જાય છે…

– મરીઝ