Archive

Archive for the ‘મનોજ ખંડેરિયા’ Category

તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા

October 20, 2014 Leave a comment

એ વિરહને ખણે તો ખણવા દે,
રાતે તારા ગણે તો ગણવા દે…

પ્રશ્ન એનો છે કે પચશે તે,
કાગ મોતી ચણે તો ચણવા દે…

તારી ‘ના’ છો દબાઈ જાતી, એ,
હા મહીં હા, ભણે તો ભણવા દે…

ચાડિયો થઈને પોતે ખેતરનો,
મોલ લીલો લણ તો લણવા દે…

એમ થોડા કબીર થાવાના,
તેઓ ચાદર વણે તો વણવા દે…

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે…

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે…

Advertisements

શબ્દો જન્મ્યા પરવાળામાં – મનોજ ખંડેરિયા

September 16, 2014 Leave a comment

કોઈ સમયના વચગાળામાં,
શબ્દો જન્મ્યા પરવાળામાં…

બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે,
પાણી છલક્યાં ગરનાળામાં…

ઉત્તર રૂપે આવ્યો છું હું,
તેજ-તિમિરના સરવાળામાં…

ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું?
આવો બા’રા અજવાળામાં…

અંતે સોનલ સપનાં ટહુક્યાં,
ફૂલો બેઠાં ગરમાળામાં…

ભૂલી જા – મનોજ ખંડેરિયા

May 22, 2014 Leave a comment

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા,
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા…

જીવ કરમાં ધમાલ ભૂલી જા,
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા…

જો સુખી થવું જવું હોય તારે,
તો જે થતાં સવાલ ભૂલી જા…

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર,
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા…

રાખમાં યાદ ઘા કર્યો કોણે,
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા…

એ નથી પંહોચવાની એને ત્યાં,
તેં લખી તી ટપાલ ભૂલી જા…

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું,
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા…

રાસ તારે નિરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા…

બે લખી ગઝલ મોથ શું મારી,
એ તારી ક્યાં કમાલ ભૂલી જા…

પતંગિયાએ ઘર કર્યું – મનોજ ખંડેરિયા

April 11, 2014 Leave a comment

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું…

દરવાજે ઉભો છું – મનોજ ખંડેરિયા

March 13, 2014 Leave a comment

પીડાના ટાંકણાંની ભાત લઈ દરવાજે ઉભો છું,
કળામય આગવો આઘાત લઈ દરવાજે ઉભો છું…

નથી આવ્યો હું ખાલી હાથ તારા દ્વાર પર આજે,
કવિતાથી સભર દિન-રાત લઈ દરવાજે ઉભો છું…

તમે જેના અભાવે વાસી દીધાં દ્વાર વરસોથી,
હું એ વિશ્વાસની મિરાત લઈ દરવાજે ઉભો છું…

ઉભો દ્વારે શીશુભોળો દયામય મંદિર ખોલો,
બચેલાં શ્વાસની સોગાત લઈ દરવાજે ઉભો છું…

પગલા વસંતના – મનોજ ખંડેરિયા

February 9, 2014 Leave a comment

આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી પગલા વસંતના…

આ એક તારા અંગેને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના…

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા આજ આંખમાં આંબા વસંતના…

ઉડી રહ્યાં છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયાં છે આજ તો છાંટા વસંતના…

બહાર આવ્યો છું – મનોજ ખંડેરિયા

February 2, 2014 Leave a comment

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું,
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું…

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું…

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું…

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું…

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું…

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું…

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું…

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું…