Archive

Archive for the ‘મકરંદ દવે’ Category

મારી ગઝલમાં – મકરંદ દવે

September 20, 2014 Leave a comment

અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં…

અનામીની થાપણ છે મારી ગઝલમાં,
અભાગીનું ખાંપણ છે મારી ગઝલમાં…

ઉઘાડા ગગનનો શિરે આશરો છે,
ને ધરતીનું ધાવણ છે મારી ગઝલમાં…

નથી જેની માસૂમ નજર નંદવાણી,
કુંવારું એ કામણ છે મારી ગઝલમાં…

તમારી જ ભીતર બિરાજે છે તેની,
ભવોની ભલામણ છે મારી ગઝલમાં…

ફરી દિલની પાંખો ફડફડશે સુણીને,
કંઈ એવું કારણ છે મારી ગઝલમાં…

Advertisements

ધૂળિયે મારગ – મકરંદ દવે

September 5, 2011 Leave a comment

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક…

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ…

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ…

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!

 

– મકરંદ દવે