Archive

Archive for the ‘ભગવતીકુમાર શર્મા’ Category

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

March 24, 2014 Leave a comment

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન…

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે! આ તો પવન…

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન…

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન…

Advertisements

ડૂબ્યાં – ભગવતીકુમાર શર્મા

March 21, 2014 Leave a comment

પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં,
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં…

હસ્વ ઈ-દીર્ઘ ઇ અનુસ્વાર ને કાનો માતર,
વમળ-વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં…

પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી,
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં…

સાંકળિયાં એ, પાદટીપ ને લાલ લિસોટા,
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં…

જળજળ બંબાકાર કબૂતર અને છાજલી,
તૈલીચિત્ર પાછળનાં ચીંચીં-ચકચક ડૂબ્યાં…

આંગળીઓની છાપ અને દ્રષ્ટિના સ્પર્શો,
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં…

કાકમંજરી કુમુદસુન્દરી – સાર્ત્ર ગયા ક્યાં?
મન્દાક્રાન્તા, વસંતતિલકા, તોટક ડૂબ્યાં…

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં…

તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

March 15, 2014 Leave a comment

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે…

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે…

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે…

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે…

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે…

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે…

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે…

પતંગ – ભગવતીકુમાર શર્મા

January 4, 2013 Leave a comment

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી,
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી…

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી,
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી,
ઠાગાઠૈયાં, ઠૂમકા, ઝૂમખા હૂંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી,
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી,
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી,
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી,
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી…

– ભગવતીકુમાર શર્મા

શિખરે પહોંચવું છે – ભગવતીકુમાર શર્મા

January 3, 2013 Leave a comment

અધ્વમાં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે…

કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ ’તું’ ‘તે’ ના અભેદે પહોંચવું છે…

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે…

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે…

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ, આભે પહોંચવું છે…

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે…

– ભગવતીકુમાર શર્મા

ટકોરા – ભગવતીકુમાર શર્મા

January 2, 2013 Leave a comment

ટેરવાઓમાં તૂટ્યા ટકોરા છતાં દ્વાર ઉઘડ્યા નહીં,
અંધ ઉંબર પે ફસડાયા ઓળા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

એક પારેવડું અધખૂલી બારીથી બહાર ઊડી ગયું,
કૈં હવામાં તરી આવ્યાં પીછાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

સીમ ભાંગી પડી દૂરથી આંગણે આવીને હાંફતી,
ખાલીપાઓનાં ઠલવાયાં ગાડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

ઝાંઝવાં ફાળિયું પ્હેરી ઝાકળનું ફળિયામાં ઘૂમી આવ્યા,
કાચના આભથી વરસ્યા ફોરાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

ટોડલો, કંકુથાપા, સૂકાં તોરણો, ચીતરેલા ગણેશ,
સૌએ સાંકળના તબકાવ્યાં ઘોડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

ગૂંગળાયાં ફટાણાં, પીઠી ઊતરી, સ્તબ્ધ માણેકથંભ,
કરગર્યા કૈંક અત્તરના ફાયા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં…

– ભગવતીકુમાર શર્મા

તારે હાથે લખાઇ જીવું છું – ભગવતીકુમાર શર્મા

July 23, 2012 Leave a comment

શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું…

મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું…

હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું…

શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું…

સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું…

આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું…

– ભગવતીકુમાર શર્મા