Archive

Archive for the ‘બરકત વિરાણી બેફામ’ Category

જીવતાં નીકળે – બરકત વિરાણી ‘બેફામ’

August 8, 2014 Leave a comment

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે…

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે…

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે…

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે…

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે…

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે…

દાટી દીધાં કબરમાં જે બેફામને,
એ કયામત થતાં જીવતાં નીકળે…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements

એક રાજા હતો એક રાણી હતી – બરકત વિરાણી ‘બેફામ’

April 30, 2014 Leave a comment

એક રાજા હતો એક રાણી હતી,
એ તો તારી ને મારી કહાણી હતી…

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી,
મારી તો વાટ આખી અજાણી હતી…

માત્ર એના અનુભવ થયા સૌ નવા,
પ્રીત તો એની સાથે પુરાણી હતી…

જીંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા,
જીંદગીમાં બીજી કયાં કમાણી હતી…

એક ચાદર હતી આભની ઓઢવા,
રાતના જોયું તો એ’ય કાણી હતી…

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ’ નું,
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી…

સફળતા જીંદગીની – બરકત વિરાણી ‘બેફામ’

April 12, 2014 Leave a comment

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી…

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી…

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી…

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી…

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી…

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી…

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી…

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી…

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી…

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી…

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી…

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી…

જીવનનો માર્ગ – બરકત વિરાણી ‘બેફામ’

April 7, 2014 Leave a comment

સપના રૂપેય આપ ન આવો નજર સુધી,
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી…

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી…

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી…

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી…

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી…

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી…

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી…

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…

સૌ સિકંદર લાગશે – બરકત વિરાણી ‘બેફામ’

August 10, 2013 Leave a comment

જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ, સૌ સિકંદર લાગશે…

ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું, એક કદમ આગળ સિકંદરથી…

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી…

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો…

– બરકત વિરાણી ‘બેફામ’

મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’

August 6, 2013 Leave a comment

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે…

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે…

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે…

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે…

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે…

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે…

– બરકત વિરાણી ‘બેફામ’

મોત ના બરબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’

July 21, 2013 Leave a comment

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર…

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર…

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર…

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર…

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર…

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર…

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર…

– બરકત વિરાણી ‘બેફામ’