Archive

Archive for the ‘બદરી કાચવાળા’ Category

સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં? – બદરી કાચવાળા

May 1, 2012 Leave a comment

સંતાઈ રહેશે ક્યાં સુધી તું હવે તારા વાસમાં?
તુજને હું જોવા ચાહું છું, તારા અસલ લિબાસમાં…

દિલ મારું ભગ્ન તેં કર્યું, હાય તેં શો ગજબ કર્યો,
પંથનો હું દીપક હતો, તારા જીવનવિકાસમાં…

ધર્મ ને કર્મજાળમાં મુજને હવે ફસાવ ના,
મુજમાં તું ઓતપ્રોત છે, હું તારા શ્વાસોશ્વાસમાં…

દર્શની લાલસા મને, ભક્તિની લાલસા તને,
બોલ હવે છે ક્યાં ફરક, તુજમાં ને તારા દાસમાં…

મુજને નથી કાં સ્પર્શતાં, તારાં અભયવચન બધાં?
પૂરાં કરીશ શું બધાં, તું તારા સ્વર્ગવાસમાં?

તારુંય દિલ વિચિત્ર છે, તારો સ્વભાવ છે અજબ,
કેમ રહે છે દૂર દૂર, રહીને તું આસપાસમાં?

મારો જગત નિવાસ છે, તારો નિવાસ મુજ હ્રદય,
હું તારા વાસમાં દુ:ખી, તું સુખી મારા વાસમાં?

 

– બદરી કાચવાળા

Advertisements