Archive

Archive for the ‘નરસિંહ મહેતા’ Category

ભૂતળ ભક્તિ પદારથ – નરસિંહ મહેતા

October 7, 2014 Leave a comment

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે…

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે… ભૂતળ ભક્તિ…

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે… ભૂતળ ભક્તિ…

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે… ભૂતળ ભક્તિ…

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે… ભૂતળ ભક્તિ…

Advertisements

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

March 6, 2014 Leave a comment

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!

સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!

ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા – તમે ભક્તોને આપ્યા સુખ રે!

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો – તમે સુભદ્રાબાઈના વીર રે!

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા – મેં તો વળાવી ઘર કેરી નાર રે!

ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો – મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો – મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા – મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો – મુજ વાણોતર સરખાં કામ રે!

કાનજી તારી મા કહેશે – નરસિંહ મહેતા

December 11, 2012 Leave a comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે, ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે,
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે, ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે,
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે, કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે,
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે, ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે,
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે, એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

– નરસિંહ મહેતા

વૈષ્ણવજન – નરસિંહ મહેતા

November 23, 2012 Leave a comment

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે,
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે…

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિવ્હા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે…

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે…

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે…

– નરસિંહ મહેતા