Archive

Archive for the ‘નયન દેસાઈ’ Category

નામનો પહેરો છે દોસ્તો – નયન દેસાઈ

January 26, 2014 Leave a comment

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો,
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો…

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ,
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો…

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા,
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો…

એકાંત છેક તળિયે મળે તો મળી શકે,
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો…

– નયન દેસાઈ

Advertisements

સમય ઘૂંટાય છે – નયન દેસાઈ

November 2, 2013 Leave a comment

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે…

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે…

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે…

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે…

આરઝૂના કાટખૂણે જીંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે…

– નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું – નયન દેસાઈ

July 13, 2013 Leave a comment

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું..

અભરે આંસુ, સભરે પીડા,
તરફડવું ચિરકાળ, જીવજી,
તન તડકો છે, મન પર્વત છે ને,
શ્વાસો ખડકાળ, જીવજી,
અથશ્રી હોવું, પડછાયાને પાણી ટોવું,
બે હાથો જોડીને રોવું…

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં,
ભમરાળ, જીવજી,
ડંખ મ્હેંક ભરીને વાગ્યા,
કંટક થૈ ગૈ ડાળ, જીવજી,
અથશ્રી હોવું, દર્પણ થઈ ઝાકળને જોવું,
બે હાથો જોડીને રોવું…

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં,
અણિયાળાં કૈં આળ, જીવજી,
આ સૂરજને પાદર કાઢો,
ઊગે છે બરફાળ, જીવજી,
અથશ્રી હોવું, વહેતા જળને જળથી ધોવું,
બે હાથો જોડીને રોવું…

– નયન દેસાઈ

મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

July 12, 2013 Leave a comment

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ…

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ,
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ…

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે,
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ…

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ…

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે,
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ…

– નયન દેસાઈ

દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે – નયન દેસાઈ

July 11, 2013 Leave a comment

દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે,
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો,
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો…

ઉદાહરણ, જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે,
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો…

પક્ષ, ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય,
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો…

સાધ્ય, પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું,
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો…

સાબિતી, ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે,
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો…

– નયન દેસાઈ

હું મારામાં ગુમ થયો છું – નયન દેસાઈ

July 10, 2013 Leave a comment

મૌન મટીને બૂમ થયો છું,
હું મારામાં ગુમ થયો છું…

કૈં ઠેકા ઠુમકા કીધા છે,
તો આજે રૂમઝૂમ થયો છું…

જીવતર આખું ભડકે બળતું,
સારૂં છે નિર્ધૂમ થયો છું…

ચીરેચીરા સુખના કીધા,
હું કેવો માસૂમ થયો છું…

ગામનું ઘર ને ખેતર વેચ્યા,
કોઈ ભાડાની રૂમ થયો છું…

– નયન દેસાઈ

બાકી શરીર કૈં નથી – નયન દેસાઈ

July 9, 2013 Leave a comment

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો,
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો…

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ,
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો…

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા,
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો…

એકાંત છેક તળિયે મળે તો મળી શકે,
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો…

– નયન દેસાઈ