Archive

Archive for the ‘જલન માતરી’ Category

શંકર નહીં આવે – જલન માતરી

September 24, 2014 Leave a comment

દુ:ખી થવાને માટે કોઇ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘરઅંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે…

Advertisements

ગઝલ દમદાર હોય છે – જલન માતરી

December 28, 2013 Leave a comment

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે,
એ હોય છે ગરીબ ને લાચાર હોય છે…

એના ઉપર તો જીતનો આધાર હોય છે,
મરવાને માટે કેટલા તૈયાર હોય છે…

ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ,
આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે…

વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત,
દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે…

હદમાં રહીને જીવવા જે માગતી નથી,
એવી જ વ્યક્તિઓ બધી હદપાર હોય છે…

કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે…

એનાથી બચવા માટે પ્રયત્નો કરે છે સૌ,
મરવાને માટે આમ સૌ હકદાર હોય છે…

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે…

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’,
ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે…

– જલન માતરી

ક્યાં જતે – જલન માતરી

December 7, 2012 Leave a comment

કહો નાચતી ઝૂમતી ક્યાં જતે,
સમંદર ન હો તે નદી ક્યાં જતે?

ન હો તે મળી રાત રાહત ભરી,
કહો આથમીને રવિ ક્યાં જતે?

અમસ્તો ઓ સંતો વિચારો જરી,
ન હોતે અમે દિલ્લગી ક્યાં જતે?

બધા જીવ હો તે યદિ પાક તો,
બદી નું થતે શું? બદી ક્યાં જતે?

ન હો તે સમંદર સરોવર નદી,
‘જલન’ ડૂબવા નાવડી ક્યાં જતે?

– જલન માતરી

ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે – જલન માતરી

June 4, 2012 Leave a comment

સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?

ખુદા! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે…

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?

રાજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે?

ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે?

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?

રહે છે આમ તો શયતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ ને પૂછશો તો કેહેશે એ બંદા ખુદાના છે…

– જલન માતરી

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે – જલન માતરી

May 25, 2012 Leave a comment

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે…

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે…

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે…

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે…

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે…

હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે…

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે…

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે…

– જલન માતરી

તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું – જલન માતરી

May 11, 2012 Leave a comment

તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું,
અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું…

જન્નતની ના બગાડ મજા જગમાં ઓ ખુદા,
એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું…

દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબતે,
કે’વાની શી જરુર કે પરવરદિગાર છું?

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવા,
જાણે કે એને પકડીને હું પી જનાર છું…

એ પણ હતો સમય, હતાં મુજ પર દુ:ખો સવાર,
આ પણ સમય છે, પોતે દુ:ખો પર સવાર છું…

થોડુક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું?

કંપી રહ્યું છે કેમ દુ:ખોનું જગત ‘જલન’,
હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું?

– જલન માતરી

મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી – જલન માતરી

May 6, 2012 Leave a comment

મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,
પણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર પડી…

દ્રષ્ટિનો દોષ હો કે મુકદ્દરનો વાંક હો,
અમને ફક્ત ખિઝાં જ મળી જ્યાં નજર પડી…

કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,
વીતી ગઈ છે રાત સવારે ખબર પડી…

પૂરી શક્યું ના એને કફન આભ એટલે,
તારાની લાશ આવીને ધરતી ઉપર પડી…

દુ:ખની કબૂલ વાત, પણ આનો જવાબ દો,
સુખની ઝડીઓ પણ સતત કોના ઉપર પડી?

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી,
મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી…

ભૂલી શક્યા ના તેઓ ‘જલન’ આજીવન મને,
મારા કવનની જેના હ્રદય પર અસર પડી…

– જલન માતરી