Archive

Archive for the ‘ચિનુ મોદી ઈર્શાદ’ Category

ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી ‘ઈર્શાદ’

July 29, 2014 Leave a comment

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે…

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે…

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે…

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે…

Advertisements

કોક દરવાજો કરી દે બંધ તો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 6, 2013 Leave a comment

શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો…

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો…

આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પેલો ઋણાનુબંધ તો…

લાગણીભીના અવાજો ક્યાં ગયા,
પૂછશે મારા વિશેનો અંધ તો…

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

કહી ના શક્યો કોઇને કે ખસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 5, 2013 Leave a comment

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો,
કહી ના શક્યો કોઇને કે ખસો…

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે,
અને દરવખત આપ ફિક્કું હસો…

સમય નામની બાતમી સાંપડી,
પછી લોહી શું કામ નાહક ધસો…

પડે ડાળથી પાંદડું, એ પછી,
ઇલાજો કરું એકથી એક સો…

ઇલાજો કરું એકથી એક સો,
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

આ ઉદાસી કેમ છે – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 4, 2013 Leave a comment

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે,
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે…

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી,
પાંદડાંને કારણે પોપટ હતા, નો વ્હેમ છે…

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ સરનામા વગરના કાગળોની જેમ છે…

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું,
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે…

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે,
શેખજી, ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

આંસુ સારે હાથ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 3, 2013 Leave a comment

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત…

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ…

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર…

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બંને કાંઠે નાવ…

સૈયર કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ,
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

વસવસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

January 30, 2013 Leave a comment

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો,
કહી ના શક્યો કોઇને કે ખસો…

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે,
અને દરવખત આપ ફિક્કું હસો…

સમય નામની બાતમી સાંપડી,
પછી લોહી શું કામ નાહક ધસો…

પડે ડાળથી પાંદડું, એ પછી,
ઇલાજો કરું એકથી એક સો…

ઇલાજો કરું એકથી એક સો,
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

વરસાદમાં – ચિનુ મોદી ‘ઈર્શાદ’

January 11, 2013 Leave a comment

આપણે પલળ્યા હતા સાથે ગયા વરસાદમાં,
હું પછી શું કામ પલળું આજના વરસાદમાં?

દૂર ઊભા શું કરો છો એ જ સમજાતું નથી,
સ્હેજ પાસે આવી બોલો આટલા વરસાદમાં…

કેટલો રમણીય અમને વ્હેમ જીવાડી ગયો,
આંસુના તોરણ તમે બાંધી જતાં વરસાદમાં…

મારી જેમ જ સાવ ચંચળ જીવ હોવાને લીધે,
રાત-દિન આશ્રય વગર પલળી હવા વરસાદમાં…

આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત,
એમને ‘ઇર્શાદ’ ક્યાં સંભારવા વરસાદમાં…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’