Archive

Archive for the ‘ગની દહીંવાળા’ Category

ફૂલદાની – ગની દહીંવાળા

October 5, 2014 Leave a comment

વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને…

તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને…

તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને…

તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને…

સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને…

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો!
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને…

બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને…

ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને…

Advertisements

અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

May 26, 2014 Leave a comment

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય,
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય…

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય,
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય…

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય…

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય…

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય…

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય…

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય…

પ્રેમ-બાની લઇને આવ્યો છું – ગની દહીંવાળા

April 20, 2013 Leave a comment

હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઇને આવ્યો છું,
સિતારાઓ, સુણો કથની ધરાની લઇને આવ્યો છું…

હજારો કોડ, ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું…

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું…

તૃષાતુર વાટ, તારે મારી પાછળ દોડવું પડશે,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું…

જગત-સાગર, જીવન-નૌકા, અને તોફાન ઊર્મિનાં,
નથી પરવા, હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું…

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે,
જીવન ખારું, છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું…

’ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ-બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું…

– ગની દહીંવાળા

વાંક મારો નથી – ગની દહીંવાળા

April 19, 2013 Leave a comment

દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી,
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી…

થૈને સાગર રહે દૂર આરાથી તું જોઈ,
બિન્દુને વેગળું રાખે ધારાથી તું,
એથી આગળ વધી કહું તો મારાથી તું,
બેફિકર હોય તો વાંક મારો નથી…

એક આવાસ, જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી…

હું તો પાગલ ગણાયો સદાનો પ્રભુ,
પણ વિચારું છું એકાંતે છાનો પ્રભુ,
હું મુસાફર અને આ જમાનો પ્રભુ,
રાહબર હોય તો વાંક મારો નથી…

કોઈનું હું બૂરું ચાહું, મારું થજો,
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો,
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો,
શ્રેયકર હોય તો વાંક મારો નથી…

એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે,
જો નજર હોય તો વાંક મારો નથી…

– ગની દહીંવાળા

હું એક કિનારે ચાલું છું – ગની દહીંવાળા

April 18, 2013 Leave a comment

લે કાળ, તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું…

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું…

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું…

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું…

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું…

સંકટ ને વિપદના સંજોગો, વંટોળ ને આંધીનાં દૃષ્યો,
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું…

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ,
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું…

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું…

– ગની દહીંવાળા

મારે ગાવું જીવન-ગીત – ગની દહીંવાળા

April 17, 2013 Leave a comment

ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત?
મારે ગાવું જીવન-ગીત…

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં,
લાવ અધર પર સ્મિત,
મારે ગાવું જીવન-ગીત…

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી,
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત…

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે,
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત,
મારે ગાવું જીવન-ગીત…

– ગની દહીંવાળા

સંબંધની એવી સપાટી હો – ગની દહીંવાળા

April 16, 2013 Leave a comment

ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો…

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો…

સમય પથ્થર સમો છે, એમાં પિસાવાનો મહિમા છે,
ખરલમાં કોઈએ ક્યારેક કસ્તૂરીય વાટી હો…

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો…

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો…

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’ એકાદ તો સંબંધની એવી સપાટી હો…

– ગની દહીંવાળા