Archive

Archive for the ‘ખલીલ ધનતેજવી’ Category

અજવાળા જેવું લાગે છે – ખલીલ ધનતેજવી

September 3, 2013 Leave a comment

ત્યાગમાં ક્યાં કંઇ મહિમા જેવું લાગે છે,
ભઇ આમાં તો હસવા જેવું લાગે છે…

આજે કોઇ જોઇ રહ્યું છે મારા તરફ,
આજે કંઇ ઝળહળવા જેવું લાગે છે…

એક દિવસ તો ખાબોચિયાએ પૂછ્યું મને,
મારામાં કંઇ દરિયા જેવું લાગે છે…

ભઇ આ તો છે મંદિર મસ્જિદ જેવું કશું,
પાછો વળ, અહિં ખતરા જેવું લાગે છે…

આપણો દેશ ‘ને રાજ પણ આપણું પોતાનું,
એ સાચું છે પણ અફવા જેવું લાગે છે…

ચાલ ખલિલ, આ અંધારાને ખોતરીએ,
આમાં કંઇ અજવાળા જેવું લાગે છે…

– ખલીલ ધનતેજવી

Advertisements

અમે જાતને બાળી છે – ખલીલ ધનતેજવી

September 2, 2013 Leave a comment

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે…

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે…

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે…

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે…

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે…

– ખલીલ ધનતેજવી

મારી નજર સામે હતી – ખલીલ ધનતેજવી

September 1, 2013 Leave a comment

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી,
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી…

એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો,
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી…

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે,
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી…

ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ,
પણ હાય રે, એક વેંત છેટે પાનખર સામે હતી…

હું જ અંધારાના ડર થી આંખ ના ખોલી શક્યો,
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી…

મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો,
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી…

– ખલીલ ધનતેજવી

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

August 31, 2013 Leave a comment

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ જો રદ, ખબર પડશે તને…

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને…

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને…

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને…

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને…

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને…

– ખલીલ ધનતેજવી

મારા વિના ક્યારે હતી – ખલીલ ધનતેજવી

August 30, 2013 Leave a comment

મોજ મસ્તી તાજગી મારા વિના ક્યારે હતી,
આવી ઝાકમઝોળ આ તારી સભા ક્યારે હતી…

પોત પોતાના જ માટે સૌ કરે છે પ્રાર્થના,
કોઈના માટે કદી કોઈ દુવા ક્યારે હતી…

હું ય ક્યાં ફૂલોની માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું ય જો ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી…

એણે શ્વાસમાં જ વાવાઝોડું સંતાડ્યું હશે,
હા, નહિતર આવી ભારેખમ હવા ક્યારે હતી…

સંત અથવા માફિયા માટેના છે જલસા બધા,
આપણા માટે તો આવી સરભરા ક્યારે હતી…

આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું,
કોઈ પણ કાનૂનમાં આવી સજા ક્યારે હતી…

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જીન્દગી,
મારી કોરી આંખમાં ભીની વ્યથા કયારે હતી..

– ખલીલ ધનતેજવી

તો ફલક ઊઘડે – ખલીલ ધનતેજવી

August 29, 2013 Leave a comment

આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે…

ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે…

રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે…

પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે…

છો ખલીલ, આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે…

– ખલીલ ધનતેજવી

હવા પાછી પડી – ખલીલ ધનતેજવી

August 28, 2013 Leave a comment

ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી…

ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી…

જીન્દગી, સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી…

સાવ ઓચિંતુ સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ના પૂરી શકે, એવી જગા ખાલી પડી…

છેવટે એક ચપટી અજવાળુંય ના પામી શક્યો,
ક્યાંકથી આવીને દીવાને હવા બાઝી પડી…

– ખલીલ ધનતેજવી