Archive

Archive for the ‘આસીમ રાંદેરી’ Category

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે – આસિમ રાંદેરી

February 11, 2012 Leave a comment

જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા,
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે,
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના,
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે…

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે,
મને દિલની ધડકન ખબર દઇ રહી છે,
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે,
બધાની નજર એ તરફ થઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી,
અદાથી જરા ડોક નીચી નમાવી,
મને અવનવી પ્રેરણા દઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

છે લાલીમાં જે લચકતી લલીતા,
ગતી એવી જાણે સરકતી સરીતા,
કલાથી વિભુષીત કલાકાર માટે,
કવિતા જ સુંદર બનીને કવિતા,
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી,
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી,
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે,
છે સાદાઇમાં એની જાહોજલાલી,
શું ખાદીની સાડી મજા દઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

સરળથી ય સરળ છે એની સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા,
લખું તોય લખતાં ન કાંઇ લખાયે,
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં,
અજબ મારા મનની દશા થઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

ભલા કોણ જાણે કે કોને રિઝવવા,
અને કોના દિલની કળીને ખિલવવા,
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે,
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા,
ન સમજાય તેવી કલા થઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

કોઇ કે છે જાય છે ચિત્રો ચિતરવા,
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા,
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’,
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા,
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે,
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે…

– આસિમ રાંદેરી

Advertisements

‘લીલા’ – આસિમ રાંદેરી

August 28, 2011 Leave a comment

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી;
જેને સમજો છો કિનારો એ તો કિનારો તો નથી…

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી;
ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી…

એ ખજાનો છે ગગન કેરો અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દર નો સિતારો તો નથી…

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વંદન?
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી…

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઇજારો તો નથી…

દિલના અંધકારમાં આ ચાંદની ક્યાંથી ખીલી!
ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી?

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી…

મુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,
એમાં સંમત તારી આંખોનો ઈશારો તો નથી?

હું ય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી?

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો તો ઉતારો તો નથી!

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’!
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી…

 

– ‘આસિમ’ રાંદેરી

કંકોતરી – આસીમ રાંદેરી

April 27, 2011 Leave a comment

મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો – થઇ ખાતરી મને,
ભુલી વફાની રીત ના ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

સુંદર ના કેમ હોય એ સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફુલછાબ સમ, જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ,
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શિરનામું મારું કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને..

– આસિમ રાંદેરી