Archive

Archive for the ‘આસિમ રાંદેરી’ Category

કંકાતરી – આસિમ રાંદેરી

February 2, 2013 Leave a comment

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે…

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ કાવ્યોની કોઈ કિતાબ સમ…

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી,
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી…

દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે,
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે…

ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી…

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો…

કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ…

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું…

આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં…

‘આસિમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું…

– આસિમ રાંદેરી

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી – આસિમ રાંદેરી

October 22, 2012 Leave a comment

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો, એ કિનારો તો નથી…

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી…

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો, સિતારો તો નથી…

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન,
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી….

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી…

દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી,
ચંદ્રમુખ એ મહીં કંઈ હાથ તમારો તો નથી…

મુજને મઝધારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ, આ કિનારો તો નથી…

મુજને દુનિયાય હવે તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખોનો ઇશારો તો નથી…

હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી…

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી…

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’,
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી…

– આસિમ રાંદેરી

આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી – આસિમ રાંદેરી

October 14, 2012 Leave a comment

આ વર્ષાની ઝરમર, આ મોસમ દુલારી,
ન પૂછો અમે કેવી રીતે ગુજારી…
મદીલી મદીલી એ આંખો તમારી,
કરી યાદ હરપળ વિસારી વિસારી…

તમારા સ્મરણમાં નથી લાભ કાંઈ,
એ માન્યું બધુ થઈ જશે બેકરારી…
પરંતુ તમે ખુદ મને એ બતાવો,
કરું યાદ કોને હું તમને વિસારી…

પ્રણયની રમતમાં હ્રદય ખોઈ દીધું,
છતાં એ જ બાકી છે હિમ્મત અમારી…
હવે દાવમાં પ્રાણ મૂકી દીધો છે,
કે હારે તો બમણું રમે જુગારી…

મધુરા ખયાલો, રુપાળા તરંગો,
ભુલાવે છે જીવનના દુ:ખમય પ્રસંગો…
તમે એને સુખના વિચારો ન માનો,
હું વાંચું છું કિસ્મતના લેખો સુધારી…

દયા મારી ઉપર એ લાવે ન લાવે,
તને શું થયું છે એ આવે ન આવે…
નિરાશા, પ્રણયનું છે અપમાન હે દિલ,
તું કર રાત દિન એમની ઈન્તેજારી…

અહીં ચુપકીદીમાં જ ડહાપણ છે સહચર,
ભલે પ્રેમને રુપ ઝઘડે પરસ્પર…
જો સાચું કહું તો મહોબતની બાજી,
એ બેમાંથી કોઈએ જીતી ન હારી…

સુરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી,
હિસાબ એનો દુનિયાને શા કાજ દઈએ…
અમારી હતી જીંદગાની અમારી,
ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી…

સુમનના સદનનો છે નકશો નજરમાં,
હવે આંખ ક્યાંથી ઊઠે અન્ય ઉપર…
મુબારક હો તમને ઓ દુનિયાના લોકો,
આ મંદિર તમારું, આ મસ્જિદ તમારી…

પ્રણય-પંથકના ભેદ એ કેમ જાણે,
ને એ રૂપ-દર્શનની શી મોજ માણે…
નજર જે ઉઠાવે બચાવી બચાવી,
કદમ જે ઉપાડે વિચારી વિચારી…

ન તે રાગ છે, ના અનુરાગ આજે,
ન તે બાગ છે, ના ત્યાં ‘લીલા’ બિરાજે…
હવે એક ‘આસિમ’ પ્રણય-ગીત કાજે,
રહી ગઈ છે તૂટેલ દિલની સિતારી…

– આસિમ રાંદેરી