Archive

Archive for the ‘આદિલ મન્સૂરી’ Category

ગઝલના ઘરમાં – આદિલ મન્સૂરી

September 3, 2014 Leave a comment

નિરાંત એવી અનુભવું છું ગઝલના ઘરમાં,
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં…

આ મૌન વચ્ચે જો શબ્દ કોઇ સરી પડે તો,
હું એના પડઘાઓ સાંભળું છું ગઝલના ઘરમાં…

આ મત્લા મક્તા રદીફને કાફિયાઓ વચ્ચે,
હું ખુદથી વાતો કર્યા કરું છું ગઝલના ઘરમાં…

તમારા ચહેરાનું નૂર જેમાં હજીએ ઝળકે,
એ શેર હું ગણગણ્યા કરું છું ગઝલના ઘરમાં…

આ જૂના લીંપણની પોપડીઓ ઉખડવા આવી,
હું એને સરખી કર્યા કરું છું ગઝલના ઘરમાં…

હું નામ કોઇનું ક્યાં લઉં છું કદીય ‘આદિલ’,
સભાની આમન્યા જાળવું છું ગઝલના ઘરમાં…

Advertisements

કેમ પડતું નથી બદન હેઠું – આદિલ મન્સૂરી

May 5, 2014 Leave a comment

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું…

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું…

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું…

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું…

– આદિલ મન્સૂરી

સામે – આદિલ મન્સૂરી

October 29, 2013 Leave a comment

આગ પાણી અને હવા સામે,
માનવી એકલો બધા સામે…

સૂર્ય ઝાંખો પડી ગયો પાછો,
કોણ ઊભું છે આયના સામે?

કોઇ પૂછે આ કોણ લોકો છે,
કોડિયાં લૈ ઊભા હવા સામે…

મૌન પાસેય ક્યાં જવાબ કોઇ?
શબ્દ પ્રશ્નો બની ઊભા સામે…

મોં છુપાવીને ખૂબ ઊંઘી લ્યો,
ઊભા રહેવાનું છે ખુદા સામે…

બેસી રહેવાથી શું વળે ‘આદિલ’?
પગ ઉપાડો તો દ્વારિકા સામે…

દિલમાં કોઇની યાદનાં – ‘આદિલ’ મન્સૂરી

February 13, 2013 Leave a comment

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા…

એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા…

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા…

આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા…

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા…

– ‘આદિલ’ મન્સૂરી

શૂન્યતામાં પાનખર – ‘આદિલ’ મન્સૂરી

December 25, 2012 Leave a comment

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી…

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી…

સૂર્ય સંકોચાયોને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી…

આ બધા લાચાર અહીં જોતાં રહ્યા,
હાથમાંથી જીંદગી સરતી રહી…

– ‘આદિલ’ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે – ‘આદિલ’ મન્સૂરી

October 3, 2012 Leave a comment

હવાનાં ઊછળતાં હરણ આવશે,
ને સૂરજનું ધગધગતું રણ આવશે…

ઊઘડતો જશે એક ચહેરો સતત,
સ્મરણમાંય એનું સ્મરણ આવશે…

હશે કોઈ સામે ને અડવા જતાં,
ત્વચા સ્પર્શનું આવરણ આવશે…

રહેવા દો દરવાજા ખુલ્લા હવે,
છે આશા હજી એક જણ આવશે…

તમે પાછા કરશો ખુલાસા નવા,
અને અમને વિશ્વાસ પણ આવશે…

સમયની તો સીમાઓ પૂરી થઈ,
હવે જોઈએ કેવી ક્ષણ આવશે…

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે,
હતી ક્યાં ખબર કે મરણ આવશે…

– ‘આદિલ’ મન્સૂરી

શ્વાસ ગૂંગળાય નહીં – ‘આદિલ’ મન્સૂરી

September 14, 2012 Leave a comment

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…

– ‘આદિલ’ મન્સૂરી