Archive

Archive for the ‘અશરફ ડબાવાલા’ Category

પક્ડીને બેઠા છો – અશરફ ડબાવાલા

August 25, 2014 Leave a comment

નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો…

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને,
તમે તમને જ ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો…

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે,
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો…

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે,
તમે હર રૂપમાં એક જ રટણ પક્ડીને બેઠા છો…

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને,
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો…

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ,
નથી એ જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો…

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ,
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો…

Advertisements

કેટલા હતા – અશરફ ડબાવાલા

July 15, 2014 Leave a comment

ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

હું સાચવીયે ના શક્યો ર્દશ્યો કે ર્દષ્ટિને,
ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

જો ફોડવા હતા તો કદી ક્યાં કમી હતી!
મનમાં જ ઘડયા તા એ ઘડા કેટલા હતા!

એ ‘આવજો’ કહીને પછી બસ કરી ગઈ,
નહિતર તો આંગળીના બરા કેટલા હતા!

અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

ગઝલ – અશરફ ડબાવાલા

June 29, 2014 Leave a comment

ઉઘાડી આંખને તારું જ તું કામણ તપાસી લે,
ઋતુઓ છોડ, તારી જાતમાં ફાગણ તપાસી લે…

ભલે ત્યાં બુધ્ધ થાવાનો મરણથી જ્ઞાન પામીને,
અહીં ઘટના વિચારી લે અને કારણ તપાસી લે…

ભરી લે જીંદગીથી મન, પછી મૃત્યુ વિષે જોશું,
પહેલાં ઝેર તું પી લે પછી મારણ તપાસી લે…

તરસને બંધ બેસે એમ જળ તું શોધતો હો તો,
તને ટીંપુ નહીં મળશે, બધા શ્રાવણ તપાસી લે…

ભલે તું શોધવા એને ભમી લે જગત આખામાં,
બધેથી તું જ મળવાનો ભલે કણકણ તપાસી લે…

શું ગણવા – અશરફ ડબાવાલા

February 3, 2013 Leave a comment

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?

અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?

ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?

મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે,
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?

અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?

– અશરફ ડબાવાલા

વાણીપતનો જંગ – અશરફ ડબાવાલા

January 9, 2013 Leave a comment

આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,
સ્વપ્ન ક્યાં ચાલી ગયું, આ વાણીપતનો જંગ દઈ…

પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે,
તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ…

હે કૃપાળુ, અંત પર થોડીક તો તું કૃપા કર,
સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દઈ…

એ અખંડિત હોય ત્યારે કંઈ કરી શકતો નથી,
પણ જશન રોશન કરે હંમેશા એનો અંશ દઈ…

આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર, આપણે,
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ…

મેં હુકમ સંચારબંધીનો ચડાવ્યો શીશ પર,
તેંય રાખી લાજ, મનમાં કંઇક રમતાં છંદ દઈ…

એમ કંઈ અશરફને તું ભૂંસી નહીં શકશે કદી,
તારી લીલા કે પછી લટકા સ્વરુપે ધ્વંસ દઈ…

– અશરફ ડબાવાલા

આવું તો કે જે – અશરફ ડબાવાલા

October 28, 2012 Leave a comment

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કે’જે,
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કે’જે…

સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું,
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કે’જે…

બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કે’જે…

જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને,
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કે’જે…

મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કે’જે…

પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,
નદીની વાત કે જળની રમતમાં આવું તો કે’જે…

તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગી,
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કે’જે…

– અશરફ ડબાવાલા

બેઠા છો – અશરફ ડબાવાલા

November 21, 2011 Leave a comment

નથી ઝગતી કદી એવી ચલમ પકડીને બેઠા છો,
એને દિવાસળી આખો વખત પકડીને બેઠા છો…

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને,
તમે તમને જ ગમતી એક ગઝલ પકડીને બેઠા છો…

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે,
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પકડીને બેઠા છો…

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે,
તમે હર રૂપમાં એક જ રટણ પકડીને બેઠા છો…

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને,
તમારા નામની સાથે અટક પકડીને બેઠા છો…

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ,
નથી એ જાણ કે ખોટી સડક પકડીને બેઠા છો…

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પકડીને બેઠા છો…

– અશરફ ડબાવાલા