Archive

Archive for the ‘અવિનાશ વ્યાસ’ Category

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય – અવિનાશ વ્યાસ

June 27, 2014 Leave a comment

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની,
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની…

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

એની હિંસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો,
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો…

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

Advertisements

પૂછો તો ખરા – અવિનાશ વ્યાસ

April 13, 2014 Leave a comment

ઘાયલને શું થાય છે? પૂછો તો ખરાં,
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરાં…

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર,
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર,
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરાં…

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરાં…

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી,
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી,
એ અણમોલા ફૂલો કાં કરમાય છે? પૂછો તો ખરાં…

હવે પ્રભુ અવતાર લ્યો તો – અવિનાશ વ્યાસ

February 6, 2014 Leave a comment

આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…

કંસની સામે તમે કૃષ્ણ થયા, અને રાવણની સામે રામ,
પણ આજે તો કંસનો પાર નથી જગમાં, ને રાવણ તો સો માં નવ્વાણું…
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…

કૈક ને માર્યા તમે કૈક ને તાર્યા, ને ધર્યા તમે વિધવિધ અવતાર,
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે, અવતરતા લાગે કેમ વાર?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…

શ્રધ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા, હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…

આ ચંદ્રમાં તો હવે હાથવેંતમાં, અને સૂરજની ઘડિયું ગણાય,
આકાશ વિંધીને અવકાશે આદમ, દોડ્યો આવે ને દોડ્યો જાય…

બધું એ જીયાતે, પણ એક તું ના જીયાતે, તો ગીતાનો ગાનારો સાચો માનું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું…

આ આદિ અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ

August 18, 2013 Leave a comment

આ આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

માને ખોળે પડી આંખ ઊઘડી આંખ્યું સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
ત્યારે કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

શ્રીફળ મીંઢળ માણેકસ્તંભ માંડવો આ ચતુરપંખનું પાંદડું,
કહેશો કોની સાથે ક્યારે નથી સંકળાયું લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

ઓશિયાળા એંશી વરસે અંગ બને જ્યારે વાંકડું,
ત્યારે ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
પણ સંગ સૂતું ચિતાની સાથે ભવભવનું સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…

– અવિનાશ વ્યાસ

ઈશ્વર પડ્યો નથી રસ્તામાં – અવિનાશ વ્યાસ

February 14, 2013 Leave a comment

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં…

સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે,
સાચું છે એ પરમેશ્વર છે…

પણ ચોધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં…

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા,
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા…

નહીં મળે ચાંદી-સોનાના અઢળક સિક્કામાં,
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં…

પણ નસીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં…

– અવિનાશ વ્યાસ

છાનું રે છપનું કંઇ થાય નઇ – અવિનાશ વ્યાસ

March 19, 2012 Leave a comment

છાનું રે છપનું કંઇ થાય નહીં, થાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં,
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં…

આંખો બચાવી ને આંખના રતનને,
પરદામાં રાખીને સાસુ નણંદને…

ચંપાતા ચરણોએ મળવું મળાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…

નણદી ને નેપૂર બે એવા અનાડી,
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી…

આવેલા સપનાનો લ્હાવો લુંટાય નહીં,
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં…

– અવિનાશ વ્યાસ

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ

January 14, 2012 Leave a comment

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છો’ને ભગવાન કહેવડાવો…
પણ રામ તમે સિતાજીની તોલે ન આવો,
મારા રામ તમે સિતાજીની તોલે ન આવો…

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે,
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ,
પણ રામ તમે સિતાજીની તોલે ન આવો,
મારા રામ તમે સિતાજીની તોલે ન આવો…

કાચા રે કાનના તમે, ક્યાંના ભગવાન તમે,
અગ્નિ પરીક્ષા કોની કીધી,
તમારો પડછાયો થઇ ને,
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી…

પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી,
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ,
પણ રામ તમે સિતાજીની તોલે ન આવો,
મારા રામ તમે સિતાજીની તોલે ન આવો…

તમથીયે પહેલા અશોક વનમાં,
સિતાજીએ રાવણને હરાવ્યો,
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે,
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો…

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ,
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો,
પણ રામ તમે સિતાજીની તોલે ન આવો,
મારા રામ તમે સિતાજીની તોલે ન આવો…

– અવિનાશ વ્યાસ