Archive

Archive for the ‘અરદેશર ખબરદાર’ Category

અંતર મેલું થયું – અરદેશર ખબરદાર

March 15, 2013 Leave a comment

મારાં પાપે આ અંતર મેલું થયું,
તેને સ્વચ્છ કરી લે ઉગારી પ્રભો,
અર્ધજ્ઞાને આ જીવન ઘેલું થયું,
તેને સત્યપ્રભાથી દે તારી, પ્રભો…

મને ત્યાગી ગયા સહુ લોક લડી,
મારી આંખ રહી શતધાર રડી,
મને શાંતિ મળી નહીં એક ઘડી,
તોય તું જ સમીપ છે મારી, પ્રભો…

મારા અંતરમાં તું જ બોલી રહ્યો,
તારા સ્પર્શથી ચેતન ખોલી રહ્યો,
તારી આશ હુંમાં તું વિલોલી રહ્યો,
જેવો તેવો લે તારો સ્વીકારી, પ્રભો…

મને બાંધતાં તું જ બંધાઈ ગયો,
મારે અંતર તું સપડાઈ ગયો,
હવે આખર તો ઓળખાઈ ગયો,
મારી મુક્તિ વિના નહીં તારી, પ્રભો…

મારી આંખથી મેઘ રહ્યા વરસી,
મારાં વ્યોમ રહ્યાં હવે સ્વચ્છ લસી,
રહ્યું ના કશું લેવું રડી કે હસી,
હવે તું કે ન હું કો ભિખારી પ્રભો…

શુભ જ્ઞાને આ અંતર પુખ્ત થયું,
તેને તારી દયાથી દે તારી, પ્રભો,
તારા જાપથી જીવન મુક્ત થયું,
તેને ધારી તુમાં લે ઉગારી, પ્રભો…

– અરદેશર ખબરદાર

Advertisements

તારા ઘા પર ઘા મને મારી રહ્યાં – અરદેશર ખબરદાર

March 12, 2013 Leave a comment

તારા ઘા પર ઘા મને મારી રહ્યાં,
પ્રભુ! તોય તે ઝીલું હું પુષ્પ સમા…

મારો જીવનઘાટ ઉતારી રહ્યા,
પ્રભુ! કેમ ગણું પછી તે વસમાં?

મારી મટ્ટી છૂંદાઈ પિસાઈ રહી,
મારી જીંદગી ઝૂકી ઝુમાઈ રહી…

મારી બુધ્ધિ બધી અકળાઈ રહી,
તોય કેમ ચૂકું મુજ વર્ચસવ્માં?

મારું આભ બધું ઘનઘોર થયું,

નહીં જ્યોતિનું એક કણુંય રહ્યું…

તીણું વીજનું કર્તન જાય દહ્યું,
પ્રભુ! નિત્ય બળું તુજ આતશમાં…

તું જ જાણે એ ઘાટ શો નીકળશે,
નવજ્યોતિ એ ભઠ્ઠીમાં શી ભળશે…

નવપુષ્પ કશું ઊગીને ફળશે,
પ્રભુ! હું તો વીંટાયો છું ધુમ્મસમાં…

રહી કાનસ તારી ચોમેર ફરી,
ઉરલોહનો કાટ જશે ઊતરી…

દેશ એ પછી કંચન શુદ્ધ કરી,
પ્રભુ! શ્રદ્ધા ધરું તુજ પારસમાં…

તનથી તણખા ઊપડે ઊડતા,
મારા અંતરપુષ્પની કહે ગૂઢતા…

કૈંક જન્મોની એમ જશે જડતા,
પ્રભુ! વીર અદલ રહું સાહસમાં…

તારા ઘા પર ઘા ઘમકારી રહ્યા,

પ્રભુ! તોય તે ઝીલું હું પુષ્પ સમા…

મારો જીવનઘાટ મઠારી રહ્યા,
પ્રભુ! લે લે, ઝગાવી દે ઓજસમાં…

– અરદેશર ખબરદાર

કોની કહીં રહી – અરદેશર ખબરદાર

March 11, 2013 Leave a comment

અખંડ એક ધાર અજબ, કો વહી રહી,
ખૂલી ખુદાઈ ત્યાં જુદાઈ, કો નહીં રહી…

ભીંજાય સકળ ખલક ત્યાં, ન ઝલક કો જુદી,
કરોડ આંખ નૂર તો, એક જ ગ્રહી રહી…

અનંતમાં ઝગી રહ્યા, અગુણિત તારલા,
ન આંખ તેની કો, કથા જુદી કહી રહી…

ન સૂર્ય જ્યોતિ જેવું કે, ન ચંદ્રિકા સમું,
અનામી નૂર એવું ખલક, સૌ ચહી રહી…

રસે રસાય જ્યાં બધું જ સમરસે શમી,
ન આભ અવનિ કેરી ભિન્નતા તહીં રહી…

ન દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ, રૂપ, કો,
અખંડ એકતાર લહર, એ મહીં રહી…

ધગે ન ધોમ કે ન ભોમ શીતથી ધ્રૂજે,
તૂટેલ તારને જ એ, થીજી દહી રહી…

અનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ,
દશે દિશાથી સ્નેહધોધશી, સહી રહી…

ડૂબ્યાં પ્રપૂર્ણ એ રસે, તર્યાં જ તે બધાં,
અચૂક અમર બુટ્ટી એવી છે, જહીં રહી…

ઉતારી દેહપટ જુઓ બધું જ બ્રહ્મ આ,
અદ્દલ જુદાઈ ત્યાં પછી, કોની કહીં રહી…

– અરદેશર ખદરદાર