Home > કવિતા, ગઝલ, રાજેન્દ્ર શુક્લ > પોત અલગ છે – રાજેન્દ્ર શુક્લ

પોત અલગ છે – રાજેન્દ્ર શુક્લ

September 12, 2014

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે,
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે…

નખશિખ કવચ ધરી શું કરિયેં, આડી ઢાલ ધરી શું કરિયેં,
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે…

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એ ય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે…

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સોગાત અલગ છે…

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ?
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે…

Advertisements
%d bloggers like this: