Home > કવિતા, ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન > રેતીના મિનારા નીકળ્યા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રેતીના મિનારા નીકળ્યા – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

August 26, 2014

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા…

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા…

કોણ બીજું જાય વરસી? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા…

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા…

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં…

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં…

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Advertisements
%d bloggers like this: