Home > કવિતા, ગઝલ, મુકુલ ચોક્સી > ઐશ્વર્ય હો અલસનું – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું – મુકુલ ચોક્સી

August 10, 2014

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું…

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું…

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું…

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું…

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ,
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું…

કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો,
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું…

Advertisements
%d bloggers like this: