Home > કવિતા, કૃષ્ણ દવે, ગઝલ > આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

June 6, 2014

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે…

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું…

દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું…

આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે…

અમથું કંઇ આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખેઆખું ચોમાસું લેવાનું…

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો…

Advertisements
%d bloggers like this: