Home > કવિતા, ગઝલ, ભગવતીકુમાર શર્મા > તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

તમારા વિના સાંજ – ભગવતીકુમાર શર્મા

March 15, 2014

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે…

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે…

અનુભવ છે દરિયાના તોફાનનો પણ,
આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે…

લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે…

ઝરી જાય જળ, કે મળે જળસમાધિ,
જુઓ, પાંપણો કુવાકાંઠે ચઢી છે…

ઘણા રૂપ લૈ લૈ ને જન્મે છે સીતા,
હવે લાગણી પણ ચિતા એ ચઢી છે…

જરા ગણગણી લૌં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે…

Advertisements
%d bloggers like this: