Home > કવિતા, ગઝલ, મણિલાલ દ્વિવેદી > અમર આશા – મણિલાલ દ્વિવેદી

અમર આશા – મણિલાલ દ્વિવેદી

March 9, 2014

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે…

જુદાઈ જીંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે…

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે…

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે…

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે…

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે…

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે…

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે…

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે…

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે…

Advertisements
%d bloggers like this: