Home > કવિતા, ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન > સઘળા દુઃખનું કારણ મન છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સઘળા દુઃખનું કારણ મન છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

February 19, 2014

સઘળા દુઃખનું કારણ મન છે,
સુખનું સરનામું પણ મન છે…

સઘળી આવન-જાવન મન છે,
દિવાનગી ને ડહાપણ મન છે…

સ્વયં ધૂળ ને રજકણ મન છે,
થર બાઝેલું દર્પણ મન છે….

જીવન તો ખળખળ ઝરણાં સમ,
આ વિધ્નો આ અડચણ મન છે…

હું એવો ને એવો ભીતર,
આ બચપણ આ ઘડપણ મન છે…

શું સાધુ કે શું સંસારી?
મૂળ બેઉનું કારણ મન છે…

બાંધે, જોડે – તોડે હરપળ,
સૌ સાથેનું સગપણ મન છે…

એ જ ઉઘાડે સકળ રહસ્યો,
અને સત્યનું ઢાંકણ મન છે…

આભ બની જઈ ઘડીક ટહુકે,
બીજી જ પળમાં ગોફણ મન છે…

શબ્દ-મૌન, મુક્તિ કે બંધન,
આ પણ મન છે, એ પણ મન છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Advertisements
%d bloggers like this: