Home > કવિતા, ગઝલ, શૂન્ય પાલનપુરી > ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

February 1, 2014

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની…

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની…

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની…

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની…

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની…

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની…

Advertisements
%d bloggers like this: