Home > કવિતા, ગઝલ, હેમંત પુણેકર > આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે – હેમંત પુણેકર

આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે – હેમંત પુણેકર

December 20, 2013

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે,
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે…

દ્રશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી,
આપણી દ્રષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે…

આંખના કાંઠે તો બસ બે ચાર બિન્દુ ઊભરે,
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે…

સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો,
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે…

નામ પાછળ જીંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો ‘ન-નામી’ હોય છે…

– હેમંત પુણેકર

Advertisements
%d bloggers like this: