Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > ખબર છે તને? – મુકુલ ચોકસી

ખબર છે તને? – મુકુલ ચોકસી

July 31, 2013

હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને?
રુદનને બદલે હું મલક્યો હતો, ખબર છે તને?

હું તારી લટને કિનારે જ આવીને અટક્યો,
ક્ષિતિજના ઢાળથી લપસ્યો હતો, ખબર છે તને?

બિચારા ઈવ કે આદમને કંઈ ખબર ન્હોતી,
પ્રણય મેં એમને શીખવ્યો હતો, ખબર છે તને?

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં,
હું બૂમ પાડીને બોલ્યો હતો, ખબર છે તને?

સમયની શોધ થઈ તેની આગલી સાંજે,
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને?

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: