Home > કવિતા, ગઝલ, ગીત, મુકુલ ચોકસી > તિલક તમસનું – મુકુલ ચોકસી

તિલક તમસનું – મુકુલ ચોકસી

July 26, 2013

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું…

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું…

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું…

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું…

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ,
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું…

કેવા અસૂર્ય દિવસો, કેવી અશ્યામ રાતો,
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું …

– મુકુલ ચોકસી

Advertisements
%d bloggers like this: