Home > કવિતા, ગઝલ, ગીત, બરકત વિરાણી બેફામ > મોત ના બરબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’

મોત ના બરબાદ કર – બરકત વિરાણી ‘બેફામ’

July 21, 2013

ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર,
છે ધરા પર ઝાંઝવાં તો આભથી વરસાદ કર…

આટલી મારી મદદ ઓ પ્રેમનો ઉન્માદ કર,
રોજ એના ઘર તરફ જા, રોજ એને સાદ કર…

પ્રેમમાં સાંભરવા જેવું હવે શું છે બીજું?
એ તને ભૂલી ગયાં છે એટલું બસ યાદ કર…

દુઃખની વચ્ચે જીવવાની એ જ બેત્રણ રીત છે,
સામનો કર કે સબર કર કે પછી ફરિયાદ કર…

જે પ્રયોજન છે સુરાનું એ સુરા જેવું જ છે,
આ બધા કડવા અનુભવનો જ તું આસ્વાદ કર…

હોય સૌ નાદાન ત્યાં કોઇ તો દાનો જોઇએ,
દોસ્ત કર બે-ચાર, દુશ્મન પણ કોઇ એદાદ કર…

જો પછી કે શૂન્ય વિણ બાકી કશું રહેશે નહીં,
ઓ ખુદા તારા જગતમાંથી મને તું બાદ કર…

અંતવેળા છે, ન એની રાહ જો બેફામ તું,
જિંન્દગીની જેમ તારું મોત ના બરબાદ કર…

– બરકત વિરાણી ‘બેફામ’

Advertisements
%d bloggers like this: