Home > કવિતા, ગઝલ, ગીત, વિવેર મનહર ટેલર > તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે – વિવેક મનહર ટેલર

તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે – વિવેક મનહર ટેલર

July 20, 2013

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બનીને મજાના ફળ ઊંચેરી ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં,
દબાયેલા આલ્બમના એકાદ પાને, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?

– વિવેક મનહર ટેલર

Advertisements
%d bloggers like this: