Archive

Archive for June, 2013

હું શું કહી ગયો

June 20, 2013 Leave a comment

ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો…

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો…

બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં,
બધુ જ ચુપચાપ સહી ગયો…

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો…

મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું,
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો…

રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’…

હર વાત અધૂરી લાગે છે

June 19, 2013 Leave a comment

શું સાંભળવા ઝંખે છે મન, હર વાત અધૂરી લાગે છે,
આ કોણ નથી સંગાથે કે શરૂઆત અધૂરી લાગે છે…

એ રંગ કયો આંખે ઘૂંટ્યો? ભીતરથી જાય નહીં છૂટ્યો,
એ રંગ-ભાતને શું નિસ્બત? હર ભાત અધૂરી લાગે છે…

એમાં થોડું જો સ્મિત ભળે આખો અવસર અજવાળી દે,
આ હું પદ કેવું ખટકે છે? સોગાત અધૂરી લાગે છે…

જે મૌન મહીં ઘૂંટી હરપળ જે રાત-દિવસ ભીતર ખળખળ,
એ વાત વિનાની તો સઘળી રજૂઆત અધૂરી લાગે છે…

સઘળું છોડીને આવી છે મનગમતા સૌને લાવી છે,
આખરની પળ આખરવેળા કાં રાત અધૂરી લાગે છે…

ક્યાં ખોટ કશાની છે ઘરમાં જીવું છું જાણે અવસરમાં,
આ કોણ યાદ આવ્યું ‘મિસ્કીન’ કે જાત અધૂરી લાગે છે…

ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે

June 18, 2013 Leave a comment

રોજ એ જગથી કશું જૂદું જ કરવા જાય છે,
ગોલ્ફના મેદાનમાં બિલિયર્ડ રમવા જાય છે…

હું કદી એને શિખામણ કે સલાહ આપું નહીં,
કે વધુ બગડે છે એ જ્યારે સુધરવા જાય છે…

ત્રણ વેળા એક પિક્ચર એ જૂએ છે મોજથી,
જાય છે ચોથી વખત ત્યારે સમજવા જાય છે…

આમ ઝઘડાળુ નથી પણ ખાય છે દરરોજ માર,
બે જણા ઝઘડે છે ત્યારે વચ્ચે પડવા જાય છે…

એ રહે મૂડલેશ એ સાહિત્ય જગનાં હિતમાં છે,
મૂડમાં આવે છે ત્યારે કાવ્ય લખવા જાય છે…

પ્રેમ પ્રાણીમાત્ર પર છે એને એ દર્શાવવા,
શાંત સૂતા આખલાને એ અડકવા જાય છે…

અમે રાખમાંથીયે બેઠા થવાના

June 17, 2013 Leave a comment

અમે રાખમાંથીયે બેઠા થવાના,,
જલાવો તમે તોયે જીવી જવાના…

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના…

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના…

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના…

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના…

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે

June 16, 2013 Leave a comment

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,
છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે…

સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,
પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે…

દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,
માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે…

હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,
ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે…

ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,,
આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે…

કદાચ મને ચાહતા ના આવડ્યું

June 15, 2013 Leave a comment

કદાચ મને ચાહતા ના આવડ્યું,
અને એટલે જ તમને પામતાં ના આવડ્યું…

તમારા જ સપના જોતો હતો,
તેથી તમારા જ સપના મા કોઇ છે એ પામતાં ના આવડ્યું…

આવડ્યું તો બસ એ જ કે,
તમને દિલ થી ચાહતા આવડ્યું…

જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,
છતાં તમને પરાયા માનતા ન આવડ્યું…

મંઝિલ નહી મળે એમ મને લાગ્યું છતાં,
અડધે રસ્તે થી પાછા વળતાં ન આવડ્યું…

ચૂમી છે તને

June 14, 2013 Leave a comment

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને…

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને…

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને…

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને…

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને…

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને…

તને હું શું આપું?

June 13, 2013 Leave a comment

તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે?

હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે?

કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે?

મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે?

એના ઉપર મારો હક નથી

June 12, 2013 Leave a comment

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી…

કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું,
ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી…

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી છું ચીતરું એવું ફલક નથી…

શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,
મારા જીવનમાં કોઈ બીજી ઝડઝમક નથી…

એવી રીતે મેં આશ વફાની તજી દીધી,
જાણે મને તમારા ઉપર કોઈ શક નથી…

એના વદનને જોઈને, ઓ ચાંદ માનનાર,
મારા વદનને જો કે જરાયે ચમક નથી…

આરામથી રહો ભલે, પણ અગવડોની સાથ,
આ મારું મન છે, કાંઈ તમારું મથક નથી…

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે,
જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી…

સાંભળેલુ છે ઘણું,

June 11, 2013 Leave a comment

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણું,
બોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો?

ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા,
બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો?

એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશું,
બોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો?

સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે,
બોલો અમારા દિલના ટુકડાને ક્યારે ઘસાવો છો?

હારી જઊ એટલે જ તો સઘળુ દાવ પર લગાડેલ છે,
બોલો પ્રેમના કાતિલ ષડયંત્રમાં ક્યારે ફસાવો છો?

તમારા આશિકો ઘણા હશે અમારા જેવા નહી મળે,
બોલો જિંદગીભર આપના દિલમાં ક્યારે વસાવો છો?