Home > કવિતા, ગઝલ, ગીત > સંબંધોની આડે અનોખી દીવાર

સંબંધોની આડે અનોખી દીવાર

June 4, 2013

સંબંધોની આડે અનોખી દીવાર,
તમે સમજો કિલ્લો ને હું આરપાર…

તમારી પરસ્તિશ, તમારી જ રઢ,
મને ક્યાં ખબર છે દુવાના પ્રકાર?

પ્રતીક્ષાના ગુલમ્હોર આંખે ઊગ્યા,
જગત સમજે એને નશાનો ખુમાર…

ટહુકાને બદલે છે કોયલનો કાગળ,
ને તોયે છે આંબાને આવ્યો નિખાર…

અડે જળ ને સળગે છે યાદોની લાશ,
હશે કોઈ ગાતું હ્રદયથી મલ્હાર…

તિમિરનો અભિશાપ એને મળ્યો,
સળગતા સૂરજનો ન થતો ઉગાર…

હકીકતનું મૃગજળ પિવાડી દો એને,
શમણાંનું હરણું શ્વસે છેલ્લી વાર…

Advertisements
%d bloggers like this: