Home > કવિતા, ગઝલ, ગની દહીંવાળા, ગીત > મારે ગાવું જીવન-ગીત – ગની દહીંવાળા

મારે ગાવું જીવન-ગીત – ગની દહીંવાળા

April 17, 2013

ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત?
મારે ગાવું જીવન-ગીત…

આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં,
લાવ અધર પર સ્મિત,
મારે ગાવું જીવન-ગીત…

હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી,
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત…

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે,
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત,
મારે ગાવું જીવન-ગીત…

– ગની દહીંવાળા

Advertisements
%d bloggers like this: