Home > કવિતા, ગઝલ, ગની દહીંવાળા, ગીત > એનું રક્ષણ એના પડછાયા કરે – ગની દહીંવાળા

એનું રક્ષણ એના પડછાયા કરે – ગની દહીંવાળા

April 15, 2013

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે…

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં,
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે…

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે…

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો,
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે…

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે…

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે…

– ગની દહીંવાળા

Advertisements
%d bloggers like this: