Home > કવિતા, ગઝલ, ગની દહીંવાળા, ગીત > સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું – ગની દહીંવાળા

સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું – ગની દહીંવાળા

April 14, 2013

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું…

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું…

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું…

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તોય છાતી પર પડેલા માર જેવો છું…

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું…

‘ગની’ તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું…

– ગની દહીંવાળા

Advertisements
%d bloggers like this: