Home > અમૃત કેશવ નાયક, કવિતા, ગઝલ, ગીત > હાલ અબતર છે – ‘અમૃત’ કેશવ નાયક

હાલ અબતર છે – ‘અમૃત’ કેશવ નાયક

March 9, 2013

કદી તલવારની ધમકી, કદી કર માંહી ખંજર છે,
ગઝલમાં જીવ આશકનો ડગે, ડગ દિલમહીં ડર છે…

ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જીંદગી ભયમાં,
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે…

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે,
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે…

જીગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે,
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે…

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે,
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે…

હ્રદય ચાહે સદા જેને દયા આવે નહીં તેને,
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે…

નહીં ભૂલું અમૂલું મુખ કદી ડૂલું થયું તો શું,
કપાઈ સર સરાસર બોલશે બસ, તું જ સરવર છે…

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જીહિદ તણી બાંગો,
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે…

ન કર અમૃત શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ,
હ્રદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે…

– ‘અમૃત’ કેશવ નાયક

Advertisements
%d bloggers like this: